ત્રીજો જ લઈ જશે….

સમાજવાદી પાર્ટીની સાઈકલ સીધા માર્ગ પર ચાલતા ચાલતા અચાનક ખાડા ટેકરાવાળા માર્ગ ઉપર ઉતરી ગઈ હોય તેવી સ્થિતિ હાલ ઉત્તરપ્રદેશમાં સર્જાવા પામી છે. પિતા-પુત્ર-કાકા વચ્ચેની લડાઈ ઘરમાં જ રહેવા પામી હોત તે યોગ્ય હતું પરંતુ આ લડાઈ હવે મેદાનમાં આવી ચૂકી છે. પહેલા તો મુલાયમસિંઘે તેમના પુત્ર અખિલેશને ઉત્તરપ્રદેશની રાજગાદી સોંપી દીધી. પરંતુ સમયાંતરે તેઓ તેમના ભાઈઓ રામગોપાલ અને શિવપાલ યાદવને સાચવી ન શકયા. એકબાજુ તો સાવકી માતા અને સંતાનો સાથે રહેતા મુલાયમસિંઘ પોતાના ભાઈ અને પુત્રથી દબાઈ ગયા અને બીજી બાજુ અન્ય દબાણ પણ કામ કરી રહ્યું હોય તેમ લાગે છે.

એક જમાનામાં પહેલવાન રહી ચૂકેલા મુલાયમસિંઘ અખાડાની અનેક કુશ્તી જીત્યા હશે અને અનેક રાજકીય હરીફોને પણ ધૂળ ચાટતા કરી ચૂકયા છે પરંતુ પરિવારમાં જ જ્યારે ‘‘દંગલ’’ સર્જાયું ત્યારે એક સમયે પ્રધાનમંત્રી પદના દાવેદાર ગણાતા એવા મુલાયમ બાજી સાચવી નથી શક્યા. તેમણે અમરસિંઘ અને ભાઈના દબાણ હેઠળ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ભાઈ રામગોપાલ યાદવને પક્ષમાંથી હાંકી કાઢ્યા. તેના એક દિવસ પછી ‘અખિલેશના સમર્થકોએ મોટું રાજકીય અધિવેશન યોજયું અને અમરસિંઘ તેમજ શિવપાલ યાદવને પક્ષ માટે નુકસાનકર્તા ગણાવી હાંકી કાઢયા. પક્ષની બેઠકમાં જાહેરમાં રામગોપાલ યાદવે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અખિલેશ યાદવના નામની જાહેરાત કરી અને મુલાયમસિંઘ યાદવને પક્ષના સુપ્રીમો ગણાવી તેમની સૂચના અને માર્ગદર્શન ધ્યાને લેવાશે એમ કહી તેમને કોરાણે કરી દીધાનો ઈશારો કર્યો. માત્ર એટલું જ નહીં અખિલેશ યાદવે તો એવો દાવો પણ કર્યો કે જ્યારે પરિવારમાં નુકસાન થતું હોય અને પિતાને જાણ ન હોય તો એક પુત્ર તરીકે પિતા અને પરિવારને બચાવવાની પવિત્ર ફરજ તેઓ નિભાવી રહ્યા છે. આ તમામ ગતિવિધિને જો કે મુલાયમસિંઘે ગેરબંધારણીય ગણાવી છે તેથી ભવિષ્યમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરી સંભાવના છે. ઉત્તરપ્રદેશની ચૂંટણી માથે ગાજી રહી છે. ત્યારે પિતા-પુત્રને અહમના ટકરાવમાં ફાયદો માયાવતીને મળે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. જેમ બે વાંદરાની લડાઈમાં બિલાડી ફાવી જાય તેવું ઉત્તરપ્રદેશમાં બનવાની પૂરી શક્યતા ખરી.

આ વિવાદની શરૂઆત સપાના સુપ્રીમો મુલાયમસિંઘ યાદવે આપેલા બયાન અને તેમણે જાહેર કરેલી ઉમેદવારોની યાદીના પગલે થઈ. તેમણે જે પગલાં લીધા એ દર્શાવે છે કે મુલાયમસિંઘ તેમના પક્ષને જૂનવાણી રીતે જ ચલાવવા માંગે છે. તેની સાથે જ ઉત્તરપ્રદેશમાં કોઈ નવા રાજકીય પ્રયોગની સંભાવના પર પણ ચોકડી લાગી ગઈ. અત્યાર સુધી તો એમ લાગતું હતું કે સમાજવાદી પાર્ટી પારંપારિક સામાજિક સમીકરણથી દૂર હટીને નવા માળખાને અપનાવવા તૈયાર છે. તે નોટબંધી અને કટ્ટર હિન્દુત્વવાદ સામે એક રાજકીય ધરીની ભૂમિકા ભજવશે અને પોતાની સાથે અન્ય પક્ષોને લઈને ચૂંટણીમાં ઝંપલાવશે, એવી એક આશા જાગી હતી.

એક સમયે મુલાયમસિંઘે સ્પષ્ટ કહી દીધું કે તે કોઈપણ પ્રકારનું જોડાણ નહીં કરે પરંતુ હવેની સ્થિતિ જોતા ભાજપ પોતાના ફાયદા માટે તેને ટેકો આપે. મુખ્યમંત્રી અખિલેશ યાદવે કરેલા કાર્યો અને તેમની ઈમેજનો ઉપયોગ કરીને સપા એક વિકાસોન્મુખ પક્ષ તરીકે પોતાની જાતને રજૂ કરી શક્યું હોત. તેના માટે ગુનાહિત ઈતિહાસ ધરાવતા નેતાઓને કોરાણે કરી તમામ જાતિ ધર્મના યુવા વર્ગને સાથે લઈને આગળ વધવાનો પ્રયત્ન થવો જોઈતો હતો, પરંતુ મુલાયમસિંઘને તે પણ મંજૂર નહોતું. તેઓ પોતાના યાદવ + મુસ્લિમ વોટ બેન્કના જૂના મોડલને જ વળગી રહેવા માગે છે, જેમાં ઉમેદવારની ઈમેજ અથવા સામાજિક ભૂમિકાનો કોઈ જ અર્થ નથી રહેતો.

તેથી જ તેમણે જે પગલું લીધું તે આંચકાજનક નીવડ્યું. દેશમાં કોઈપણ પક્ષે પોતાના જ મુખ્યમંત્રીએ કરેલા સારા કામોને કોરાણે કરી તેને પક્ષમાંથી હાંકી કાઢયા હોય તેવું અગાઉ નથી બન્યું.

સપ્તાહના પ્રારંભે સપાના સુપ્રીમો મુલાયમસિંઘ યાદવે ૩રપ ઉમેદવારોના નામની જાહેરાત  કરી, જેમાંથી ૧૭પ નામોની જાહેરાત પ્રદેશ પ્રમુખ શિવપાલ યાદવ અગાઉ કરી ચૂકયા હતા. મુખ્યમંત્રી અખિલેશ યાદવે મુલાયમસિંઘને તમામ ૪૦૩ બેઠકો માટે ઉમેદવારોની યાદી સોંપી હતી. મુલાયમસિંઘે તે યાદીમાંથી ત્રીજાભાગના નામ પર કાતર ફેરવી દીધી તેનાથી તો એવું પ્રતિપાદિત થાય છે કે અખિલેશની યુવા ઈમેજને મુલાયમ તેમના પૂરાણા અખાડા છાપ રાજકારણ માટે ખતરા તરીકે જૂએ છે, અને સાથોસાથ તેઓ અન્ય પક્ષો સાથે વાતચીતની વાત પણ નથી વિચારી શક્તા. અન્યો સાથે મળીને વિજય મેળવવા કરતા એકલા રહીને પરાજય સ્વીકારવાનો જાણે તેઓ મનોમન નિર્ણય કરી ચૂક્યા છે. તેમને કદાચ ડર છે કે જો જોડાણ થાય અને જીત મળે તો તેનો ફાયદો રાજ્ય સ્તરે અખિલેશને અને કેન્દ્રીય સ્તરે રાહુલ ગાંધીને મળશે. પરંતુ ત્યાર પછી સપાના મોટાભાગના મોટા (વયમાં) નેતાઓ લગભગ બેરોજગાર થઈ જશે અને તેના કારણે પક્ષ તેમની વોટ બેન્ક ગુમાવી દેશે. તેમનું માનવું એવું પણ ખરૂં કે વિકાસની વાતો શહેરના મતદારોને આકર્ષી શકે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ લોકો નાત-જાત અને ધર્મના આધારે ઉમેદવારનું મોઢું જોઈને વોટ આપે છે.

મુલાયમસિંઘની આ વિચારધારા સ્વાભાવિકપણે ભાજપ અને બસપા માટે માર્ગ બનાવી રહી છે. ભાજપ કદાચ સમય વર્તીને મુલાયમસિંઘને ટેકો પણ આપે, અને બીજી બાજુ કોંગ્રેસ અખિલેશની પડખે ઉભી રહે એવું પણ બને. બાપ-દીકરો અને કાકા-ભત્રીજામાં વિખવાદ માટેનું કારણ હાલ તો અમરસિંઘને માનવામાં આવે છે પરંતુ તેમાં સમગ્ર  દેશમાં ઘૃણા અને વિખવાદનું બીજ રોપનારા પક્ષના નેતાનો આડકતરી રીતે હાથ હોવાની શંકા પણ નકારી શકાય નહીં.