(એજન્સી) લંડન,તા.રપ
એક મુસ્લિમ મહિલાએ યહુદી પરિવારને જાતિવાદી હુમલાથી બચાવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પરિવાર જયારે લંડનમાં મુસાફરી કરી રહ્યો હતો, તે દરમ્યાન યહુદી વિરોધી સૂત્રોચ્ચાર કરીને તેમને અપશબ્દો કહેવામાં આવ્યા. જો કે, આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.
આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ મેટ્રોમાં યહુદી ટોપી પહેરેલા એક વ્યકિત અને તેના બે બાળકોની સાથે ગેરવર્તણૂક કરી રહ્યો હતો. તે સમયે હિજાબ પહેેરેલી એક મુસ્લિમ મહિલા તે ગેરવર્તણૂક કરનારા શખ્સને કહી રહી હતી કે, તે આવું વર્તન કરવાનું બંધ કરે કારણ કે, અહીં બાળકો પણ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આ મહિલાને સ્ટાર (હીરો) ગણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગેરવર્તણૂક કરનારા શખ્સની આ મહિલાએ ફરિયાદ કર્યા બાદ તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.