(એજન્સી) તા.૯
સોમવારે એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ આપેલી માહિતી મુજબ અમેરિકી પીઠબળ હેઠળની સેનાના હુમલાઓ સામે ઘૂંટણીયે થઇ આતંકી સંગઠન અલ કાયદાએ યમનમાંથી પીછેહઠ કરી છે અને દક્ષિણી પ્રાંતમાંથી સ્થળાંતર કરવાનું શરુ કર્યું છે. અલ કાયદા ઇન ધી અરેબિયન પેનિન્સુલા (એક્યુએપી)ને અમેરિકા દ્વારા એક વૈશ્વિક આતંકી સંગઠન તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે અને યમનમાં પગપેસારો કરી ચૂકેલા અલકાયદાને ઊખેડી નાખવા અમેરિકાના પીઠબળ હેઠળની સેના તેમના પર અવારનવાર હવાઇ હુમલા કરી રહી છે. યુએઇ દ્વારા ટ્રેઈન કરાયેલ ગઠબંધનની સેના ગુરુવારે શહાબવા પ્રાંતમાં આતંકીઓ પકડી પાડવા માટે એક મોટું અભિયાન ચલાવ્યું હતું. જોકે સૈન્ય અધિકારીએ જણાવ્યું કે અલ કાયદા સંગઠનના આતંકીઓએ કોઇપણ જાતની મોટી અથડામણ કર્યા વિના પીછેહઠ કરી સ્થળાંતર કરી લેવાનું મનાય છે. તેમણે કહ્યું કે મને આ મુદ્દે વધારે ઊંડે સુધી પ્રેસ સાથે વાતચીત કરવા માટેની મંજૂરી નથી. તેમણે જણાવ્યું કે અલકાયદાના આતંકીઓ હવે દક્ષિણમાં જ અબયાન પ્રાંત તરફ આગળ વધ્યા હોવાની માહિતી મળી રહી છે. શહાબવા સરહદે આવેલા અબયાન શહેરના સ્થાનિકોએ જણાવ્યું કે અહીં લગભગ ૪પ જેટલી કારોમાં એક્યુએપી સંગઠનના આતંકીઓ આવ્યા છે. અલ કાયદા માટે શહાબવા પ્રાંત એક ગઢ સમાન મનાય છે. અહીં અમેરિકા સાથે તેમનું ડ્રોનવોર ચાલી રહ્યું છે. પેન્ટાગોને આપેલી માહિતી પ્રમાણે જૂન મહિનામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલામાં એક્યુએપીના અમિર અબુ ખત્તાબ અલ અવાલકીનું મોત થયું હતું. તમને જણાવી દઇએ કે શહાબવા પ્રાંતમાં તાજેતરના કેટલાક મહિનામાં એક્યુએપીના મથકો પર હુમલા થયાના સમાચારો મળી રહ્યાં છે. આવા હુમલામાં સાત જેટલા સૈનિકોના મોત થયાના સમાચારો પણ મળ્યા છે. પેન્ટાગોને ગુરુવારે પુષ્ટિ કરી હતી કે અમેરિકા એક્યુએપીનો ખાત્મો બોલાવવા માટે શહાબવા પ્રાંતમાં અમિરાતી અને સઉદીના સરકારની દળોની મદદ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે યમનમાં હૌથી વિદ્રોહીઓનો સામનો કરવામાં સઉદીના નેતૃત્વ હેઠળની સેનામાં યુએઇમાં પણ ભાગીદાર છે. જોકે કહેવાય છે કે અમેરિકા પણ આ સેનાને ટેકો આપી રહ્યું છે.