અબુધાબી,તા.૬
પાકિસ્તાનના સ્ટાર સ્પિનર યાસિર શાહે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. ૮૨ વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડીને યાસિર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ પહેલાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ક્લેરી ગ્રિમેટના નામે હતો.પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં બીજી ઈનિંગમાં યાસિર શાહે આ કારનામું કર્યું હતું. વિલિયમ સોમરવિલની વિકેટ લેતાં જ યાસિરે ઈતિહાસ રચી નાંખ્યો હતો. તેણે ૩૩મી ટેસ્ટ મેચમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. જ્યારે ક્લેરી ગ્રિમેટે ૨૦૦ વિકેટ માટે ઝડપવા માટે ૩૬ ટેસ્ટ લીધી હતી.ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ સૌથી ઝડપી ૨૦૦ વિકેટ ઝડપવાના મામલે ત્રીજા નંબર પર છે. અશ્વિને ૩૭મી ટેસ્ટમાં આ સિદ્ધી મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાના ડેનિસ લીલી અને પાકિસ્તાનના વકાર યૂનુસે ૩૮મી ટેસ્ટમાં ૨૦૦ વિકેટ લીધી હતી. લીલી અને વકાર બંને સંયુક્ત રીતે ચોથા નંબર પર છે. સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેને ૩૯મી ટેસ્ટમાં ૨૦૦ વિકેટ લેવાનું કારનામું કર્યું હતું.