નવી દિલ્હી, તા.૨૭
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રહેલા યશવંત સિન્હાએ ગૃહમંત્રી અમિત શાહ પર તેમના ટુકડે-ટુકડે અંગેના નિવેદન પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ભારતની સૌથી ખતરનાક ટુકડે-ટુકડે ગેંગમાં માત્ર બે લોકો છે, દુર્યોધન અને દુશાસન. તેઓ બંને ભાજપમાં છે તેમનાથી સતર્ક રહો. નાગરિકતા સુધારણા કાયદાના વિરોધ પ્રદર્શનોમાં થયેલી હિંસાને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમણે ગુરુવારે એક સમારોહમાં જણાવ્યું હતું કે, દિલ્હીની ટુકડ-ટુકડે ગેંગને પાઠ ભણાવવો જોઇએ. કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં ટુકડે-ટુકડે ગેંગ જે દિલ્હીમાં અશાંતિ ફેલાવવા માટે જવાબદાર છે, તેમને દંડ આપવાનો સમય આવી ગયો છે. દિલ્હીની પ્રજાએ તેમને દંડ આપવો જોઇએ. અમિત શાહે દિલ્હીના કડકડડૂમામાં ડીડીએ ઈસ્ટ દિલ્હી હબના ઉદ્ઘાટન સમારોહમાં દિલ્હીના મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. શાહે જણાવ્યું હતું કે, કેજરીવાલે જીવનમાં માત્ર વિરોધ અને ધરણા સિવાય કોઇ કામ કર્યું નથી.