National

રાહુલ પીએમ મોદીને ભેટતા યશવંત સિંહાને કટાક્ષની વધુ એક તક મળી

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
પૂર્વ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નેતા યશવંત સિંહાએ શુક્રવારે સંસદમાં રાહુલ દ્વારા પીએમ મોદીને ભેટવામાં આવતા વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. પીએમ મોદીની જાહેરમાં ટીકા કરતાં યશવંત સિંહાએ ફરીવાર પીએમ મોદી પર નિશાન સાધ્યું છે અને મોદીને હંમેશા આલિંગન આપનાર કહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંસદમાં અવિશ્વાસના મતની તરફેણમાં બોલવા દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની સીટ પાસે જઈને તેમને ભેટી પડયા હતા. આ ઘટનાની તમામ બીજેપી નેતા વગોવણી કરે છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાનું આ નિવેદન ટીકાકારોને મતે રાહુલ ગાંધીને પરોક્ષ રીતે ટેકો આપી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. યશવંત સિંહાએ ટ્‌વીટ કરી કે પીએમ મોદી સ્વભાવગત ભેટનાર શખ્સ છે. એમણે મોદી પર નિશાન સાધતા કહ્યું કે વારંવાર ભેટનારને જ્યારે ભેટવામાં આવ્યા. સિંહાએ આ નિવેદન એટલા માટે કર્યું કે કારણ કે મોદી હંમેશા વિદેશી રાષ્ટ્રપતિ સાથે ભેટતા રહે છે અને પોતાના સંબંધો સારા બનાવવા અને બતાવવાના પ્રયાસ કરે છે. ટ્રમ્પથી માંડીને અનેક દેશોના રાષ્ટ્ર અધ્યક્ષો સાથે ભેટ કરતી વખતે પીએમ મોદીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે.