(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
અટલબિહારી વાજપેયી સરકારમાં નાણામંત્રી રહેલા યશવંત સિંહાએ દવો કર્યો છે કે, ૨૦૦૨ના ગુજરાત રમખાણો બાદ અટલબિહારી વાજપેયી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હકાલપટ્ટી કરવા માગતા હતા પણ તે સમયે પાર્ટીમાં બીજા નંબરનો દરજ્જો ધરાવતા લાલકૃષ્ણ અડવાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી પદેથી રાજીનામું આપવાની ધમકી આપી મોદીની હકાલપટ્ટી રોકાવી હતી. યશવંત સિંહાએ જણાવ્યું કે, આ એકદમ સાચી વાત છે કે, તત્કાલિન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ ગુજરાતમાં કોમી રમખાણો બાદ નક્કી કરી લીધું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપી દેવું જોઇએ. ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક થઇ હતી જેમાં અટલે નક્કી કરી લીધું હતું કે, મોદી રાજીનામું નહીં આપે તો તેમની હકાલપટ્ટી કરી દઇશું.
યશવંત સિંહાએ જણાવ્યું કે, પાર્ટીમાં આ મામલે ચર્ચા વિચારણા થઇ અને એટલે સુધી મને જાણ છે કે, તે અનુસાર અડવાણીએ આ વાતનો વિરોધ કર્યો હતો અને અટલજીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, જો મોદીની તમે મુખ્યમંત્રી પદેથી હકાલપટ્ટી કરશો તો હું કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી પદેથી રાજીનામું આપી દઇશ. યશવંતે કહ્યું કે આ માટે એ વાત ત્યાં જ રોકાઇ ગઇ અને મોદી પોતાના પદ પર જળવાઇ રહ્યા. પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ભાજપ હવે અટલ-અડવાણીના જમાનાનો ભાજપ નથી રહ્યો. અટલના જમાનામાં વિચારધારાનું ઘર્ષણ ન હતું. તે ઉદારવાદી સમય હતો જે આજના ભાજપમાં સમાપ્ત થઇ ચૂક્યો છે. આજે દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણ વધતું જઇ રહ્યું છે. ચાલુ લોકસભા ચૂંટણી પ્રચારમાં પણ ભાજપે પાકિસ્તાનને મુદ્દો બનાવ્યો છે જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીની સરકાર જમ્મુ-કાશ્મીરના બે મુદ્દા કલમ ૩૭૦ અને કલમ ૩૫-એને ઉઠાવી રહ્યો છે. આ બે મુદ્દાથી દેશને વહેંચવાનું કામ થઇ રહ્યું છે. નોટબંધી અને જીએસટીથી દેશની અર્થવ્યવસ્થા ખરાબ થઇ છે અને બેરોજગારી વધી છે.