(એજન્સી) તા.૬
મુગલસરાઇ રેલવે સ્ટેશનનું નામ બદલવાના મામલે ભાજપના વડા અમિત શાહના મજબૂત રાજકીય પીચની પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંતસિંહાએ સખત આલોચના કરી હતી. એક જલદ પ્રહારમાં ૩ મહિના પૂર્વે ભાજપને છોડનાર તેના કટ્ટર આલોચકે સવાલ ઉઠાવ્યો હતો કે અમિત શાહ આ સમારોહમાં વોટ મેળવવાનો પ્રયત્ન કરે એ કેટલા અંશે યોગ્ય છે ? કારણ કે સરકાર જ આ સમારોહનું બિલ ચૂકવી રહી છે.
મુગલસરાઇ રેલવે સ્ટેશનનું નામ બદલવાનો કાર્યક્રમ એક સરકારી ખર્ચે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપ માટે મત માગવા એ અમિત શાહને શોભાસ્પદ છે ? લોકતંત્રના શ્રેષ્ઠત્તમ મૂલ્યો એક પછી એક નાશ પામતા જાય છે અને કોઇ તેની નોંધ પણ લેતું નથી પછી ચિંતાની તો ક્યાં વાત કરવી એવું યશવંતસિંહાએ પોતાના ટ્‌વીટમાં લખ્યું હતું. અમિત શાહ આ સમારોહમાં મુખ્ય વક્તા હતા અને તેમની સાથે ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન આદિત્યનાથ પણ હતા.
પોતાના સંબોધનમાં અમિત શાહે ભાજપના શાસન હેઠળ રાજ્યને કઇ રીતે લાભ થયો હતો અને ખેડૂતો, પછાત વર્ગોે અને મહિલાઓ માટે નરેન્દ્ર મોદી સરકારની પહેલથી પ્રજાને કેટલો લાભ થયો છે તેની વાતો કરી હતી. તેમણે દાયકાઓ સુધી રાજ્યને વિકાસથી વંચિત રાખનાર કોંગ્રેસ પર પણ આક્રમક પ્રહારો કર્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે ૨૦૧૯ની ચૂંટણીનો માર્ગ યુપી થઇને જશે. યુપી કેન્દ્ર ખાતે આગામી સરકાર નક્કી કરશે એવું જણાવીને અમિત શાહે ઉમેર્યુ હતું કે હું તમને વચન આપું છું કે પાંચ વર્ષ બાદ અમે જ્યારે મત માગવા આવીશું ત્યારે ઉ.પ્ર. શ્રેષ્ઠ રાજ્ય હશે. તેથી તેમણે ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે મને કહો કે શું ૨૦૧૯માં તમે મોદી સરકારની ફરીથી રચના કરશો? શું ભાજપને તમે વિજેતા બનાવશો?, શું તમે કમળના પ્રતિક પર મતદાન કરશો ?, શું તમે ૭૪ કરતા વધુ બેઠકો આપશો ? અમિત શાહે કોંગ્રેસના વડા રાહુલ ગાંધી પર પણ જલદ પ્રહારો કર્યા હતા અને તેમને આ મુદ્દે પોતાનું વલણ જાહેર કરવા રાહુલ ગાંધીને જણાવ્યું હતું.