(એજન્સી) મુંબઇ, તા. ૯
નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રીય રજિસ્ટર(એનઆરસી) વિરૂદ્ધ દેશભરના વિવિધ રાજ્યોમાં દેખાવોજારી છે ત્યારે ગુરૂવારે મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયાથી ડાબેરી નેતાઓ, કોંગ્રેસ, એનસીપી સહિત વિવિધ રાજકીય દળોના નેતાઓએ પણ તેની વિરૂદ્ધ ‘ગાંધી યાત્રા’ની શરૂઆત કરી છે. આ યાત્રામાં એનસીપીના પ્રમુખ શરદ પવાર, પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સરકારમાં નાણામંત્રી રહેલા યશવંત સિંહા અને વંચિત બહુજન અઘાડીના પ્રકાશ આંબેડકર જેવા દિગ્ગજ નેતાઓ સામેલ હતા. આ યાત્રા મુંબઇથી શરૂ થઇને રાજસ્થાન, યુપી, હરિયાણા થઇને ૩૦મી જાન્યુઆરીએ રાજઘાટ પર સમાપ્ત થશે. યાત્રા ૨૧ દિવસમાં ૩,૦૦૦ કિલોમીટરનું અંતર કાપશે. આ દરમિયાન યશવંત સિંહાએ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, દેશમાં મહાત્મા ગાંધીની હત્યા ફરી થવા દઇશું નહીં અને ફરીવાર દેશનું વિભાજન પણ થવા દઇશું નહીં. યશવંત સિંહાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ સંશોધિત નાગરિકતા કાયદાને રદ કરવાની સાથે જ કહ્યું કે, જેએનયુ પ્રકરણ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે. તાજેતરમાં જ જેએનયુ કેમ્પસમાં નકાબધારી અરાજક તત્વોએ ઘૂસીને વિદ્યાર્થીઓ સાથે ક્રૂર રીતે મારઝૂડ કરી હતી. ઘટનામાં જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષના માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, સીએએ અને એનઆરસીના વિરોધમાં થઇ રહેલી આ ગાંધી યાત્રાને મુંબઇમાં એનસીપીના પ્રમુખ શરજ પવારે લીલીઝંડી આપી રવાના કરી હતી. આશરે ૩૦૦૦ કિલોમીટર લાંબી ૨૧ દિવસની આ યાત્રા મુંબઇથી દિલ્હી સુધી રહેશે. મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયાથી શરૂ થઇને ૩૦મી તારીખે આ યાત્રા દિલ્હીના રાજઘાટ પર સમાપ્ત થશે. અહેવાલો મુજબ આ યાત્રામાં ખેડૂતોના મુદ્દા પણ ઉઠાવાશે. બીજી તરફ દેશની કથળતી જતી અર્થવ્યવસ્થા અંગે સરકાર સામે સવાલો કરવામાં આવશે. યાત્રા દરમિયાન યશવંત સિંહાએ કહ્યું કે, અમારી આ યાત્રા સીએએ અને એનઆરસી વિરૂદ્ધ છે. કાળા કાયદા વિરૂદ્ધ દેખાવો કરી રહેલા લોકોની સામે રાજ્ય સરકારો દ્વારા કરાયેલા બર્બર હિંસાની વિરોધમાં છે. માર્ગમાં અમે લોકોસાથે વાત કરીશું. અમે આંબેડકરના બંધારણની સુરક્ષા કરીશું. અમે દેશના ભાગલા થવા દઇશું નહીં અને ફરીવાર ગાંધીજીની હત્યા પણ થવા દઇશું નહીં.
ફરીવાર ગાંધીજીની હત્યા અને દેશના ભાગલા થવા દઈશું નહીં : સીએએ વિરૂદ્ધ યશવંત સિંહાની ‘ગાંધી યાત્રા’

Recent Comments