(એજન્સી) તા.૧૧
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા, અરુણ શૌરી અને ભાજપના અસંતુષ્ટ સાંસદ શત્રુઘ્નસિંહાએ મોદી સરકારને ફરી એકવાર નિશાને લીધી છે. તેમણે મોદી સરકાર પર રફાલ યુદ્ધવિમાનના સોદાથી લઈને પીએમઓમાં સત્તાના કેન્દ્રીકરણ સુધીના મામલે નિશાન સાધ્યું છે. લોકશાહી બચાવો, બંધારણ બચાવો વિષય પર યોજાયેલા સેમિનાર દરમિયાન ભૂતપૂર્વ વિદેશ પ્રધાન યશવંત સિંહાએ દાવો કર્યો છે કે એનડીએ સરકારમાં નિર્ણયો એકલાહાથે જ લેવાઈ રહ્યા છે.
તેમણે રાજનાથસિંહનું નામ લીધા વગર દાવો કર્યો છે કે ગૃહપ્રધાનને જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથેના ગઠબંધન તોડવાના ભાજપના નિર્ણયની જાણકારી ન હતી. યશવંત સિંહાએ કહ્યું હતું કે એવી જ રીતે નાણાં પ્રધાનને નોટબંધીના નિર્ણયની જાણકારી પણ ન હતી. સિંહાએ રફાલ ડીલને ૩૫ હજાર કરોડ રૂપિયાનો ગોટાળો ગણાવીને ૬૪ કરોડ રૂપિયાના બોફોર્સ કાંડથી ઘણો મોટો હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
અરુણ શૌરીએ આરોપ લગાવ્યો છે કે નિશ્ચિતપણે બંધારણ અને લોકશાહી ખતરામાં છે. અત્યાર સુધીમાં મોબ લિન્ચિંગથી વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાની ૭૨ ઘટનાઓ બની છે. સોહરાબુદ્દીન મામલે ૫૪ સાક્ષીઓ ફરી ગયા છે. સીબીઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે. એવી આશા નથી કે હવે આમા કોઈ પરિવર્તન આવશે. ભાજપના અસંતુષ્ટ સાંસદ શત્રુઘ્નસિંહાએ કહ્યુ છે કે તેઓ ભાજપને નહીં છોડે. પરંતુ જો તેમની હકાલપટ્ટી થશે. તો તેઓ પાર્ટી હાઈકમાન્ડના વિવેક પર સવાલ ઉઠાવશે નહીં.