(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
લેખક આદિત્ય સિન્હા ઉપરાંત ભારત અને પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સીઓના પૂર્વ પ્રમુખો ક્રમશઃ એ.એલ. દુલાત અને અસદ દુર્રાની દ્વારા સંયુક્ત રીતે લખાયેલ એક પુસ્તકના વિમોચન દરમિયાન ભૂતપૂર્વ ભાજપા નેતા યશવંતસિંહાએ ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. એજન્સીઓના અહેવાલ અનુસાર, યશવંતસિંહાએ સૂચવ્યું કે, ભારતે કાશ્મીરના મુદ્દાને ઉકેલવા માટે પાકિસ્તાન સાથે ચર્ચા કરવી જ જોઈએ અને કાશ્મીર પર સશક્ત નીતિઓ એ મૂર્ખામી ભરેલી છે કારણ કે સશક્ત નીતિઓમાં બુદ્ધિપૂર્વક કાર્ય કરવામાં આવતું નથી. યશવંતસિંહા કે જેઓ કાશ્મીરમાં આતંકવાદ અને અન્યો પર થતા પથ્થરમારાના મુદ્દાને ઉકેલવા માટે સક્રિય રીતે સામેલ છે. તેમણે કહ્યું કે, સંવાદ બે સ્તરો પર શરૂ થવો જોઈએ. તેમણે આ અંગે તાજેતરના મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, પાકિસ્તાની સશસ્ત્ર દળો હવે દયાની માગણી કરી રહ્યા છે અને તેના બીજા જ દિવસે સશસ્ત્ર દળો દ્વારા બોમ્બમારો, તોપમારો કરી રહ્યા છે અને તેને કારણે સમગ્ર વિસ્તારમાં ઘણું બધું નુકસાન થવા પામ્યું છે. શું આ કંઈ જડબાતોડ જવાબ છે ? અને આને કારણે સશક્ત નીતિઓ મૂર્ખામી ભરેલી છે કારણ કે સશક્ત નીતિઓમાં બુદ્ધિપૂર્વક કાર્ય કરવામાં આવતું નથી. આ પ્રસંગે હાજર રહેલા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાહનો પણ આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે આ પ્રસંગે ૭૦ વર્ષ જૂની આ સમસ્યાને ઉકેલવાની બાબત પર ભાર મૂક્યો છે. એક તરફ તેઓ મારી રહ્યા છે બીજી તરફ તમે મારી રહ્યા છો, તો જણાવો હવે અમે ક્યાં જઈએ ? આ સમસ્યાને ઉકેલવા માટે હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. હું એક બાબતની ભલામણ કરું છું. સમય આવી ગયો છે કે આપણે ભૂતકાળને ભૂલાવી દઈએ, તેની કડવાશને ભૂલાવી દઈએ અને આપણે એવું શીખીએ કે આપણે પાકિસ્તાનની સાથે જ રહેવું પડશે. તેમ અબ્દુલ્લાહે કહ્યું. પુસ્તક વિમોચનના પ્રસંગે હાજર રહેલા સિંહા અને અબ્દુલ્લાહના હસ્તે ‘ધ સ્પાય ક્રોનિકલ્સ : આર એ ડબ્લ્યું, આઈએસઆઈ એન્ડ ધ ઈલ્યુશન ઓફ પીસ’ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી, કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ, દુલાત, સિંહા અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.