સિડની, તા.ર
યાસીર શાહ હાલના દાયકામાં ઓસ્ટ્રેલિયન ધરતી પર સદી બનાવનાર ફકત છઠ્ઠો પાકિસ્તાની બેટ્‌સમેન છે. લેગ સ્પિનરે રવિવારે એડિલેડ ઓવલમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પિન્ક બોલ ટેસ્ટમાં શાનદાર ઈનિંગ દરમિયાન ત્રણ આંકડાને પાર કર્યો. ઓસ્ટ્રેલિયાના પ૮૯ રનના જવાબમાં પાકિસ્તાન બીજા દિવસના અંતે ૯૬ રનમાં ૬ વિકેટ ગુમાવી સંઘર્ષ કરી રહ્યું હતું. જો કે, એડિલેડમાં પાકિસ્તાનની લડાયક રમત ત્રીજા દિવસનો મુખ્ય મુદ્દો હતો. સ્ટાર બેટ્‌સમેન બાબર આઝમ ત્રણ રન માટે ઓસ્ટ્રેલિયામાં બીજી સદી ચૂકી જતાં પહેલાં ઓસ્ટ્રેલિયન આક્રમણ પર પ્રભુત્વ જમાવ્યું હતું. મિચેલ સ્ટાર્કે બાબર આઝમને સ્લીપમાં ઝડપાવી પેવેલિયન પરત મોકલ્યો હતો. જેણે સાતમી વિકેટ માટે ૧૦પ રનની ભાગીદારી કરી. ૧૯૪ રનમાં ૭ વિકેટ ગુમાવ્યા બાદ ફરી એકવાર પાકિસ્તાન મુશ્કેલીમાં હતું પણ યાસીર શાહે દિલથી રમીને ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો. યાસીર શાહે ૧૯ર બોલમાં ૧ર ચોગ્ગાની મદદથી પોતાની પ્રથમ ફર્સ્ટ કલાસ સદી ફટકારી. યાસીર નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો જ્યારે સ્ટાર્ક અને હેઝલવુડે બીજા નવા બોલથી તેનું ટેસ્ટીંગ કર્યું હતું. યાસીર શાહ એટલો નર્વસ થઈ ગયો હતો કે ઓવરની વચ્ચે બ્રેક દરમિયાન બોટલથી પાણી પીતી વખતે હેલ્મેટ કાઢવાનું પણ ભૂલી ગયો હતો. યાસીરે હેઝલવુડની બોલિંગમાં જોખમકારક રીતે મિડ ઓન ફિલ્ડરની ઉપરથી બોલને ફટકારી સદી પૂરી કરી. પ્રશંસકોએ યાસીર શાહની શાનદાર સદીની સોશિયલ મીડિયા ઉપર ઉજવણી કરી હતી.