(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
અમદાવાદથી વલસાડ સુધી આવતી ગુજરાત ક્વીન ટ્રેનનો પાવર ફેલ થતાં હજારો યાત્રીઓ બીલીમોરા રેલવે સ્ટેશન ઉપર કલાકથી વધારે અટવાયા હતા. અમદાવાદથી વલસાડ જિલ્લામાં આવતા યાત્રીઓએ મધ્યરાત્રીએ હેરાન થવાનો વારો આવ્યો હતો. બીલીમોરા રેલવે સ્ટેશન ખાતે કોઈપણ જાહેરાત ન કરાતાં યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો.
રોજ સવારે વલસાડથી અમદાવાદ સમયસર ચાલતી અને અમદાવાદથી સાંજે ઉપડી મધ્ય રાત્રીએ વલસાડ રેલવે સ્ટેશન પર આવતી ગુજરાત ક્વીનનો સોમવારે રાત્રે બીલીમોરા રેલવે સ્ટેશન પાસે અચાનક પાવર ફેલ થયો હતો. બીલીમોરા રેલવે સ્ટેશન ઉપર કોઈપણ જાહેરાત કરવામાં આવી ન હતી. વલસાડ રેલવે સ્ટેશન ઉપર રાહ જોતા પરિવારજનોએ પૂછપરછ કરતા ફરજ ઉપરના કર્મચારીઓએ તપાસ કરી જાહેર કરાયું હતું કે, બીલીમોરા ખાતે પાવર ફેઈલ થવાથી ક્વીન લેટ આવશે. ત્યાં સુધી યાત્રીઓને કોઈપણ જાણ કરવામાં આવી ન હતી. ઘટનાની જાણ તંત્રને થતા તાત્કાલિક રાત્રે વલસાડથી બીલીમોરા ખાતે નવો પાવર અને કર્મચારીઓને મોકલાવતા ૧ થી ૧ઃ૩૦ કલાક બાદ ગુજરાત કવીન વલસાડ આવી હતી.