નવદિલ્હી, તા. ૨૧
આગામી વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૮ અને તેના બાદ દુનિયાના કેટલાક દેશોમાં વિનાશકારી ભૂકંપ આવી શકે છે. આ ચેતવણી વૈજ્ઞાનિકો દ્વારા જારી કરવામાં આવ્યા બાદ વિશ્વના અનેક દેશો અને ખાસ કરીને ભૂકંપ પ્રભાવિત દેશોના લોકો દહેશતમાં મુકાઇ ગયા છે. ચિંતાજનક બાબત એ પણ છે કે ભૂકંપને પૃથ્વીના પરિભ્રમણની ઝડપથી સાથે જોડવામાં આવે છે. જે પ્રતિ દિવસે કેટલાક મિલી સેકન્ડ ગતિ ઓછી થઇ રહી છે. વૈજ્ઞાનિકોએ વ્યાપક અભ્યાસ કર્યા બાદ દાવો કર્યો છે કે ભૂકંપ અને પૃથ્વીના પરિભ્રમણ વચ્ચે સીધા સંબંધ છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે ભૂકંપ સાથે સંબંધિત ખતરા માટે પાંચ અથવા તો છ વર્ષ પહેલા એડવાન્સ ચેતવણી પણ આપવામાં આવી શકે છઠે. દિવસની લંબાઇ આમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. આના મારફતે ડિઝાસ્ટર પ્લાનિંગ સારી રીતે કરવામાં આવી શકે છે. જો કે રિસર્ચમાં સાફ શબ્દોમાં એમ કહી શકાયુ નથી કે તેઓ જે મોટા ભૂકંપ આવવાની વાત કરી રહ્યા છે તે ભૂકંપ ક્યાં વિસ્તારમાં અથવા તો દેશમાં આવી શકે છે. મિસૌલામાં યુનિવર્સિટી ઓફ મોન્ટેનાના રેબેકા બેન્ડિક અને યુનિવર્સિટી ઓફ કાલારાડોના રોજર નામના વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે છેલ્લી સદીમાં પાંચ વખત એવુ બન્યુ છે જ્યારે સાતની તીવ્રતાના ધરતીકંપ આવી ચુક્યા છે. આ વખતે ભૂકંપના સંબંધની બાબત પૃથ્વીના પરિભ્રમણ સાથે જોડવામાં આવી રહી છે. જો કે કેટલીક વકથ નાના દિવસો હોવાના કારણે તેમાં ઘટાડો જોવા મળે છે. આ વૈજ્ઞાનિકોના કહેવા મુજબ પૃથ્વીના કિનારામાં થનાર નાના ફેરફાર પણ ભૂકંપ સાથે જોડાયેલા હોઇ શકે છે. યુનિવર્સિટી ઓફ કોલોરાડોના રોજર બિલ્હમ અને યુનિવર્સિટી ઓફ મોટાનાની રેબેકા બેન્ડિક દ્વારા રિસર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિયોલોજિકલ સોસાયટી ઓફ અમેરિકાને પૂર્ણ માહિતી મોકલી દેવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે પૃથ્વીના પરિભ્રમણની ગતિમાં ઘટાડો થવાના કારણે અંડરગ્રાઉન્ડ એનર્જીને બહાર આવવામાં મદદ મળશે. ઇરાન-ઇરાક સરહદ પર હાલમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં ૫૩૦થી વધુ લોકોના મોત થયા હતા. હજારો લોકો ઘાયલ થયા હતા. આ વર્ષના સૌથી વિનાશકારી ભૂકંપમાં મોતનો આંકડો વધીને ૫૩૦થી પણ ઉપર પહોંચી ગયો હતો. વર્ષ ૨૦૧૭ના સૌથી વિનાશકારી ધરતીકંપ તરીકે આને ગણાવવામાં આવ્યા બાદ વૈજ્ઞાનિક સમુદાયમાં અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ધરતીકંપના કારણે અભૂતપૂર્વ નુકસાન થયુ હતુ. હજારો ઇમારતો અને મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો હજુ પણ જાહેર રસ્તામાં અને ખુલ્લામાં છે. ઘાયલોની સંખ્યા ૭૫૦૦થી વધારે આંકવામાં આવી હતી. ઇરાન અને ઇરાક બન્ને દેશોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી હતી. ત્યારબાદ અરૂણાચલ પ્રદેશમાં સરહદ પર પ્રચંડ આંચકો આવ્યો હતો. ૧૮મી નવેમ્બરે આ પ્રચંડ આંચકો આવ્યો હતો. અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર ગયા શનિવારે વહેલી પરોઢે ભૂકંપનો પ્રચંડ આંચકો આવ્યો હતો. આસામ, નાગાલેન્ડ અને ત્રિપુર, રાજસ્થાના જેવા ભારતીય રાજ્યોમાં પ્રચંડ આંચકાનો અનુભવ થયો હતો.