(એજન્સી) બેંગલુરૂ, તા. ૨૨
કર્ણાટકના વિજયપુર જિલ્લામાં એક શેડમાં વીવીપેટ મશીનો ફેંકી દેવામાં આવા હોવાનું બહાર આવ્યાના એક દિવસ બાદ રાજ્ય ભાજપના વડા બીએસ યેદિયુરપ્પાએ ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને પાઠવેલા પત્રમાં યેદિયુરપ્પાએ એવો આરોપ મૂક્યો છે કે કર્ણાટકમાં મુક્ત અને ન્યાયી રીતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હોવાના ચૂંટણી પંચના દાવાની પોકળતાનો આ ઘટનાથી ઘટસ્ફોટ થયો છે. કર્ણાટકના ટોચના ચૂંંટણી અધિકારીએ જણાવ્યું કે વીવીપેટ મશીનોના મળી આવેલા બોક્સ ગુજરાતની જ્યોતિ પ્લાસ્ટિક્સ કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે વીવીપેટ મશીનોના મળી આવેલા બોક્સની ગુણવત્તા મૂળ મશીન જેવી જ છે અને મૂળ મશીન સાથે મેચ થાય છે. તેને ચૂંટણી પ્રક્રિયા સાથે કોઇ લેવા-દેવા નથી. તેમણે એવું પણ જણાવ્યું કે મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ કરનારાઓ સામે સખત પગલાં ભરવામાં આવશે. ચૂંટણી પંચ તમામ ગેરરીતિઓની તપાસ કરે અને આ કૃત્યમાં સંડોવાયેલાઓ સામે કડક પગલા ભરવાની પણ યેદિયુરપ્પાએ માગણી કરી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉદ્‌ભવ્યા બાદ ગુરૂવારે યેદિયુરપ્પાએ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની પાસે ૧૧૨ ધારાસભ્યો નહીં હોવાથી વિશ્વાસના મત પહેલા તેમણે વિધાનસભામાં બે દિવસ બાદ રાજીનામું આપી દીધું હતું. મંગળવારે સવારે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે વીવીપેટ મશીનના આઠ બોક્સ મળ્યા હતા પરંતુ આ બોક્સમાં વીવીપેટ મશીન ન હતા. ઇલેક્ટ્રોનિકલ રીતે મોનિટર કરાતા વીવીપેટ મશીનોને છ આંકડાના બાર કોડથી શોધી શકાય છે. વિજયપુરમાં મળી આવેલા વીવીપેટ મશીનોમાં છ આંકડાના બાર કોડ ન હતો.