(એજન્સી) બેંગ્લુરુ, તા. ૨૯
કર્ણાટકમાં બીએસ યેદીયુરપ્પાએ આખરે વિશ્વાસ મત હાંસલ કરી લીધો હતો. સરકારના પક્ષમાં ૧૦૫ મતો પડ્યા હતા જ્યારે કોંગ્રેસ-જેડીએસના પક્ષમાં ૯૯ મતો પડ્યા હતા. ૨૨૫ સભ્યોવાળી રાજ્ય વિધાનસભાના ૧૬ ધારાસભ્યોને તાજેતરમાં જ બરતરફ અને બસપાએ એક ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા બાદ સભ્યસંખ્યા ૨૦૮ રહી ગઇ હતી જેમાં બહુમતી માટે ૧૦૫ સભ્યો જરૂરી હતા. ૧૬ ધારાસભ્યોને સ્પીકરે ગેરકાયદે ગણાવ્યા બાદ ભાજપનો માર્ગ સરળ બની ગયો હતો. વિશ્વાસમત પર ચર્ચા દરમિયાન યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, હું બદલાની રાજનીતિમાં સામેલ નથી, હું ભૂલવા અને માફ કરવાના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખું છું. ઉલ્લેખનીય છે કે, ૧૬ ધારાસભ્યોએ સરકાર પાસેથી સમર્થન પરત લીધા બાદ રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પડી ગઇ હતી. ત્યારબાદ યેદીયુરપ્પા તરફથી સરકાર બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. રાજ્યપાલની મંજૂરી બાદ તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા અને તેમને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. બીજી તરફ અયોગ્ય જાહેર કરાયેલા ધારાસભ્યોએ કહ્યું છે કે, તેઓ સ્પીકરના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.
યેદીયુરપ્પાએ ઓછી સંખ્યાવાળી વિધાનસભામાં એક પંક્તિનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં જણાવાયું હતું કે, સદનને તેમના નેતૃત્વવાળી સરકારમાં ભરોસો છે. પોતાની ટીપ્પણીમાં યેદીયુરપ્પાએ જણાવ્યંં હતું કે, તેઓ બદલાની રાજનીતિમાં સામેલ નહીં થાય અને તેઓ ભૂલવા તથા માફ કરવાના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે. તેમણે જણાવ્યું કે, વહીવટીતંત્ર પાટા પરથી ઉતરી ગયું છે અને તેમની પ્રાથમિકતા તેને ફરી પાટા પર લાવવાની છે. ભાજપને વિશ્વાસ મત સરળતાથી મેળવી લેવાની આશા હતી કેમ કે વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમાર દ્વારા ૧૭ ધારાસભ્યોને રવિવારે જ અયોગ્ય જાહેર કરી દેવાયા હતા. ત્યારે ૨૨૫ સભ્યોવાળી વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઘટીને ૨૦૮ રહી ગઇ હતી. આ રીતે ગૃહમાં બહુમતી મેળવવા માટે ફક્ત ૧૦૫ ધારાસભ્યોનું સમર્થન જોઇતું હતું જે ભાજપના હાલના ધારાસભ્યોના જેટલું હતું અને પાર્ટીને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન પણ પ્રાપ્ત છે. વિધાનસભામાં કોંગ્રેસના ૬૬ અને જેડીએસના ૩૪ સભ્યો છે. જ્યારે બસપાના એક સભ્યને બરતરફ કરાયા હતા.

ધારાસભ્યોને અયોગ્ય ઠેરવાયા બાદ
વિધાનસભામાં બહુમતીનો આંકડો બદલાયો

(એજન્સી) બેંગ્લુરુ, તા. ૨૯
ચોથીવાર મુખ્યમંત્રી બનેલા બીએસ યેદીયુરપ્પાએ કર્ણાટક વિધાનસભામાં બહુમતી સાબિત કરી દીધી હતી. ધારાસભ્યોને અયોગ્ય ઠેરવાયા બાદ કર્ણાટક વિધાનસભાનું ગણિત બદલાઇ ગયું હતું. બહુમતી માટે ૧૦૫ ધારાસભ્યોનું સમર્થન જરૂરી હતું જ્યારે ભાજપ પાસે કુલ ૧૦૬ ધારાસભ્યોનું સમર્થન હતું. કર્ણાટકના સ્પીકર કેઆર રમેશકુમારે એકસાથે ૧૪ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરતા ગૃહમાં કુલ ૧૭ ધારાસભ્યો અયોગ્ય થઇ ગયા હતા. ૨૨૫ સભ્યોવાળી વિધાનસભામાં આમ કુલ ૨૦૮ સભ્યો રહી ગયા હતા જ્યારે ભાજપ અને એક અપક્ષ સહિત ૧૦૬ સભ્યોની સામે કોંગ્રેસ-જેડીએસ પાસે ફક્ત ૯૯ ધારાસભ્યો રહી ગયા હતા. આમ કોંગ્રેસ-જેડીએસ સરકાર બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહી ગયા બાદ આજે ભાજપે પોતાની બહુમતી પુરવાર કરી હતી.