અમદાવાદ,તા.૪
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા બિસમાર રસ્તા, ટ્રાફિકની સમસ્યા તેમજ રખડતાં ઢોરના ત્રાસના મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં હાઇકોર્ટ સમક્ષ શહેરની તમામ ગાય પર નંબરવાળા ટેગ લગાડવામાં આવશે તેવી બાંયધરી અપાઇ હતી. તંત્ર દ્વારા હાઇકોર્ટને અપાયેલી બાંયધરી મુજબ હવે ગાય સહિતનાં પશુને પીળા રંગના નંબર ધરાવતા ટેગ લગાવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. તાજેતરમાં શહેરને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરનાર મ્યુનિસિપલ સત્તાધીશોનો રસ્તા પર રખડતાં ઢોરના મામલે હાઇકોર્ટમાં અવારનવાર ઊધડો લેવાયો હતો. હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં જસ્ટિસ એમ. આર શાહની બેન્ચ દ્વારા તંત્રને રખડતાં ઢોરના મામલે નક્કર કામગીરી કરવાનો આદેશ અપાયો હતો. હાઇકોર્ટની લાલ આંખના પગલે સત્તાવાળાઓએ હરકતમાં આવીને હવે રખડતાં ઢોર પકડવાની કામગીરી માટે દરરોજનાં ૧૦૦ ઢોર પકડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. હાલમાં ઝોનદીઠ બે પ્રમાણે બાર ટીમ કાર્યરત છે. આ ઉપરાંત ગાય સહિતનાં પશુના ટેગિંગ માટે સત્તાવાળાઓ દ્વારા ગત સપ્ટેમ્બર મહિનામાં પશુઓના રજિસ્ટ્રેશનની કામગીરી હાથ પર લેવાઇ હતી. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા ગત વર્ષ ર૦૧૩માં કરાયેલા સર્વે મુજબ શહેરમાં આશરે ૬૦ હજાર ગાય સહિતનાં રખડતાં પશુ હતાં, પરંતુ આ સંખ્યામાં થયેલા ૬૦ ટકા જેટલા ઘટાડા માટે માલધારીઓનું અન્યત્ર સ્થળાંતર, ફક્ત દૂધના વ્યવસાય પર નભનારા માલધારીઓના પ્રમાણમાં ઘટાડો જેવાં કારણ પણ જવાબદાર છે.