(એજન્સી) સના, તા.૧૩
ઉત્તર યમનમાં શુક્રવારે સરકારી સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં ૧૦ વિદ્રોહીઓનાં મોત થયા હતા. જો કે સાત સુરક્ષાકર્મીઓ પણ શહીદ થયા હતા. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા પ્રમાણે યમનની ઉત્તર સરહદે સ્થિત પ્રાંત જાફમાં એક મોર્ચે થયેલી અથડામણમાં લગભગ ૧૦ હૌથી વિદ્રોહી માર્યા ગયા હતા. આ ઘટનાક્રમમાં સાત સુરક્ષાકર્મીઓએ પણ જીવ ગુમાવ્યા છે. અથડામણમાં ચાર અન્ય સૈનિક ઘાયલ થવાના સમાચાર છે જ્યારે અન્ય સૈન્ય વાહનો પણ નુકસાનગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. આ અથડામણમાં હૌથી વિદ્રોહીઓ દ્વારા અકબર અને મિજબાક ક્ષેત્રોમાં તૈનાત સરકારી દળો પર હુમલા બાદ થઈ હતી. એક સૂત્રએ જણાવ્યું કે સૈનિક વિદ્રોહીઓના હુમલાનો જવાબ આપવામાં સફળ થયા હતા. યમનમાં સરકારી સુરક્ષાદળો અને હૌથી વિદ્રોહીઓ વચ્ચે ગત બે વર્ષોથી અથડામણ ચાલી રહી છે. યમનની સરકારને જ્યાં આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત છે ત્યાં શિયા હૌથી વિદ્રોહીઓને ઈરાનનો ટેકો મળી રહ્યો છે.