(એજન્સી) તા.૬
તાજેતરમાં યમનમાં વિદ્રોહી સમૂહો વચ્ચેથી જ અથડામણો ચાલી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લાહ સાલેહના સમર્થકો અને શિયા હૌથી વિદ્રોહીઓ સામ સામે આવી ગયા છે. યમનના પાટનગર સના ખાતે છેલ્લા ચાર દિવસમાં ચાલેલી અથડામણમાં અત્યાર સુધી લગભગ ર૩૪ લોકોનાં મોત થયા છે. આંતરરાષ્ટ્રીય કમિટી ઓફ રેડ ક્રોસના અધિકારીઓએ આ માહિતી આપી હતી. આઇસીઆરસીએ જણાવ્યું કે અમે આ દરમિયાન લગભગ ૪૦૦થી વધુ લોકો ઘવાયા હોવાની માહિતી નોંધી છે. આ આંકડો પ્રથમ અઠવાડિયાનો જ છે જ્યારે હૌથી વિદ્રોહીઓ અને સાલેહ સમર્થિત જૂથ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ માહિતી આઇસીઆરસીના પ્રવક્તા અદનાન હાઝામે આપી હતી.
તાજેતરમાં ફાટી નીકળેલી હિંસાને કારણે અનેક વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે અને હિંસક ઘટનાઓથી લોકોને દૂર રહેવાની સલાહ અપાઇ છે. જોકે હાઝામે આ દરમિયાન બંને વિદ્રોહી જૂથો અને તમામ પક્ષોને વિનંતી કરી હતી કે આ દરમિયાન કોઇપણ નાગરિકને નિશાને લેવામાં ન આવે અને નાગરિકો સુધી પહોંચાડવામાં આવતી મદદને પણ અટકાવવામાં ન આવે. તેમણે કહ્યું કે હવે યમનનાં નાગરિકો વધારે પડતો સંઘર્ષ કે કોઇપણ પ્રકારનું નુકસાન કે યુદ્ધ સહન નહીં કરી શકે. ગઈકાલેજ હૌથીના લશ્કરે સાલેહની હત્યા કરી નાખી હતી. જેના કારણે જ આ અથડામણ હિંસક બની છે. છેલ્લે ર૦૧૪થી યમન અનેક પ્રકારની હિંસા અને યુદ્ધનો સામનો કરી રહ્યો છે. હૌથીના વિદ્રોહીઓ યમન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જોકે સાલેહના સમર્થકો સાથે તેમની અથડામણ ચાલી રહી છે. જોકે છેલ્લે ર૦૧પમાં યમન વિરુદ્ધ સઉદી અરબની સેના અને તેના સહયોગીઓએ અભિયાન ચલાવતાની સાથે જ સ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. હૌથીઓનું પણ વર્ચસ્વ અહીં વધ્યું હતું.