સના, તા. ૧૩
યમનના ટીવીના અહેવાલ અનુસાર અહીં બળવાખોરો દ્વારા ચાલી રહેલી જેલ પર સઉદીની આગેવાનીવાળા હવાઇ હુમલામાં ૧૨ લોકોના મોત થયા હતા જ્યારે ૮૦થી વધુ ઘવાયા હતા. યુએનના પ્રમુખ એન્ટોનિયો ગુટેર્સ દ્વારા રવિવારે ગાંડુ યુદ્ધ બંધ કરવાની અપીલ છતાં સઉદીની આગેવાનીવાળી સેના વર્ષ ૨૦૧૫થી યમનના બળવાખોરો પર હુમલાઓ કરી રહી છે. યમનના ટેલિવિઝન અનુસાર પાટનગર સનામાં આવેલી જેલ કેમ્પમાં આ હુમલો થયો હતો અને તેમાં મોટાભાગના કેમ્પના લોકોને અસર થઇ છે. મોટી ઇમારતો પડી જવાને કારણે કેટલાક અહેવાલોમાં બળવાખોરોના લડાકુઓ કાટમાળમાંથી લોકોને કાઢી રહેલા દર્શાવાયા છે. એક ગાર્ડ મોહમ્મદ અલ-એકેલે કહ્યું કે, રાતે ૧ વાગ્યે હુમલો કરાયો હતો. પ્રથમ હુમલો થયોત્યારે જેલનો એક ભાગ તૂટી ગયો હતો જ્યારે લોકો ભાગવાનો પ્રયાસ કરતા હતા ત્યાં તો બીજો હુમલો થતા તેઓ કાટમાળમાં દટાઇ ગયા હતા. ત્યારબાદ સતત ત્રણ હુમલા થતા જેલની દીવાલ સહિતના ભાગો તૂટી પડ્યા હતા. રવિવારે સઉદીની આગેવાનીવાળી સેનાના હવાઇ હુમલામાં ૨૬ બળવાખોરોના મોત થયા હતા તેમ સલામતી દળોએ જણાવ્યું હતું. શુક્રવારે સનામાં બળવાખોરોના અંકુશવાળા ટીવીસ્ટેશન પર હવાઇ હુમલામાં ચાર ગાર્ડના મોત થયા હતા. આ બળવાખોરો અલી અબ્દુલ્લાહ સાલેહની હત્યા બાદ યમનમા વધુ સક્રીય બન્યા છે. સઉદીના આટલા હુમલા છતાં યમનમાં હજુ પણ સના સહિતના મોટા ભાગના વિસ્તારોમાં બળવાખોરોનો જ કબજો છે. જ્યારથી આ ગઠબંધન સેના રચાઇ છે ત્યારથી અહીં ૮૭૫૦થી પણ વધુ લોકો હુમલાઓમાં માર્યા ગયા છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું.