અમદાવાદ, તા.૭
અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં આજે સતત બીજા દિવસે યસ બેંકની શાખાઓ અને એટીએમ ઉપર લોકોની ભીડ જામી હતી. ઘણી જગ્યાઓએ લોકોમાં આક્રોશ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. રિઝર્વ બેંકે સંચાલન પોતાના હાથમાં લઇને ગળ વધવાની તૈયારી કરી છે. બીજી બાજુ સરકારે પણ યસ બેંકને ખરીદવા બેંકોને કહ્યા બાદ સ્થિતિ આંશિકરીતે હળવી બની છે. ખાતા ધારકોના નાણા સુરક્ષિત હોવાની ખાતરી મોદી સરકાર તરફથી આપવામાં આવી હોવા છતાં ચિંતાતુર ખાતાધારકો બીજા દિવસે પણ બેંકના એટીએમ અને બેંક શાખાઓ ઉપર પહોંચી ગયા હતા. રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ યસ બેંકના ખાતાધારકોને બેંકમાંથી ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની રકમ વીડ્રો કરવા પર રોક લગાવી દીધી છે, જેના પરિણામે, અમદાવાદ સહિત ગુજરાત ભરની યસ બેંકના એટીએમ બહાર ગ્રાહકોની આજે સતત બીજા દિવસે લાંબી લાઈનો લાગી હતી. તો કેટલીક જગ્યાએ યસ બેંકના એટીએમ ખાલી થઈ ગયા હોવાથી એટીએમમાંથી પૈસા નીકળતા ન હતા, જેને પગલે ખાતેદારોએ ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. તો, કેટલીક શાખાઓ પર તો પહેલેથી જ બેંક સત્તાવાળાઓએ એટીએમ બંધ રાખ્યા હોવાથી કેટલીક જગ્યાએ ઘર્ષણ અને બબાલના કિસ્સાઓ આજે સતત બીજા દિવસે પણ સામે આવ્યા હતા. અમદાવાદની યસ બેંકની શાખાઓ પર તો, ૩૦૦ ખાતેદારોની સામે માત્ર ૩૦ જ ટોકન વહેંચાતા બબાલના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં તો લોકોની લાંબી લાઇનો વચ્ચે આજે પણ ખાતેદારો હાલાકી અને લાચારી વેઠવા મજબૂર બન્યા હતા. ગુજરાતભરની યસ બેંકની તમામ શાખાઓની બહાર પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત આજે સતત બીજા દિવસે પણ જોવા મળ્યો હતો. લોકોએ પોતાના મહેનત-પરસેવાના અને જીવનભરની મૂડી સમા પૈસા બેંકના ખાતાઓમાં મૂકયા હતા અને તે ફસાઇ જતાં લોકો રઘવાયા બન્યા હતા અને ભારે ચિંતા વચ્ચે આજે સતત બીજા દિવસે પોતાના પૈસા ઉપાડવા લાંબી લાઇનો લગાવી યસ બેંકની વિવિધ શાખાઓ પર ઉમટયા હતા. યસ બેંકની અમદાવાદ શહેર સહિત રાજયભરની શાખાઓ પર આજે સતત બીજા દિવસે પણ ખાતેદારો-થાપણદારોની લાંબી લાંબી લાઇનો ભર તડકામાં નજરે પડતી હતી. ખાતેદારોમાં એ વાતને લઇને પણ રોષ જોવા મળી રહ્યો છે કે, આ બેન્કમાં તેમણે ચેકો આપેલા છે અને જો એ ચેક બાઉન્સ જશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે. એટીએમમાંથી પૈસા નીકળતા નથી. બેંક દ્વારા વિવિધ શાખાઓમાં સેંકડો નંબરના ટોકન આપવામાં આવ્યા છે, જેને લઇને પણ ખાતેદારો અને બેંક સ્ટાફ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. રાજયની એક શાખા પર એક ખાતેદારને ૩૬૦ નંબરનો ટોકન અપાયો હતો, જેનો નંબર ગઇકાલે આખો દિવસ લાઇનમાં ઉભા રહેવા છતાં પણ આવ્યો ન હતો, તેથી તે આજે ફરી લાઇનમાં ઉભો હતો અને બેંક સત્તાવાળાઓ પરત્વે આક્રોશ ઠાલવ્યો હતો. કંઇક આવી જ સ્થિતિ અન્ય ખાતેદારોની પણ જોવા મળી હતી. જેઓ બેંકના આ પ્રકારના ધાંધિયા અને ઉઠમણા જેવી સ્થિતિને લઇ આક્રોશ ઠાલવતાં જોવા મળ્યા હતા. કેટલાક ખાતેદારોએ માંગણી કરી હતી કે, નિર્દોષ ખાતેદારોને ભરતડકામાં લાંબી લાઇનોમાં ઉભા રાખવાને બદલે રૂ.૫૦ હજારની લિમિટ છે તો એટલા પૈસા તો ઓનલાઇન બેંક દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવા જોઇએ. યસ બેંકની લાઇનોમાં મહિલાઓ અને સિનિયર સીટીઝન્સની હાલત કફોડી બની હતી.