નવી દિલ્હી, તા.૩
યો યો ટેસ્ટને લઈ પૂર્વ ક્રિકેટરોની પ્રતિક્રિયા સામે આવવા લાગી છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે અનિવાર્ય કરાયેલા આ ટેસ્ટ પર મો.અઝહરૂદ્દીન, હરભજનસિંહ, આકાશ ચોપડાનો મત વિરોધમાં છે. ગત મહિને આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ પસંદગી પહેલા યો-યો ટેસ્ટમાં મોહમ્મદ શમી અને અંબાતી રાયડુના બહાર થયા બાદ આ ટેસ્ટ ઉપર સવાલ ઉઠવા લાગ્યા છે. ચોપડાએ કહ્યું કે, જો વિરાટ કોહલી ટેસ્ટમાં ફેલ થઈ જાય તો શું તમે તેને બહાર કરી દેશો. જો કોઈ ખેલાડીને સમય નથી મળતો તો આ વિચિત્ર છે. કોહલી માટે તમે તેને બે સપ્તાહ આપશો. કારણ કે તમે તેને રમતો જોવા માંગો છો તો જો ખેલાડીને સમય નથી મળતો તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. દિગ્ગજ ઓફ સ્પિનર હરભજનસિંહે યો-યો ટેસ્ટને ‘ડ્રામા’ ગણાવ્યો છે. તેણે કહ્યું કે, મને નથી લાગતું કે, યો-યો ટેસ્ટ પસંદગીનું માપદંડ છે અને હોવું પણ ના જોઈએ. તમારું ફોર્મ, તમારી સ્કિલ્સ સૌથી જરૂરી હોવું જોઈએ. અઝહરૂદ્દીને કહ્યું કે, અમુક ખેલાડીઓ માટે મેચ ફિટનેશ પર. ધ્યાન આપવું જોઈએ. ના કે યો-યો ટેસ્ટમાં તેના પ્રદર્શન પર. તેણે કહ્યું જો તમે સનીભાઈ (સુનિલ ગાવસ્કર)ને યો-યો ટેસ્ટ માટે કહેશો તો તેઓ નહીં કરી શકે. આપણા અનેક મોટા મોટા ખેલાડીઓ નહીં કરી શકે તો અમુક ખેલાડીઓ માટે મેચ ફિટનેશને ધ્યાનમાં રાખવી જોઈએ કારણ કે દરેક ખેલાડીની ફિટનેશ અલગ હોય છે.