(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી પ્રતિવર્ષ ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરાતાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ૨૧મી જૂન ૨૦૧૮ના રોજ ચતુર્થ વિશ્વ યોગ દિવસની રાષ્ટ્ર વ્યાપી ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૨૧-૬-૨૦૧૮ના રોજ યોગ કાર્યક્રમનું આયોજન સાતેય ઝોનમાં કરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં પણ વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ, ખાનગી હોલ, ખાનગી સંસ્થા, સરકારી તથા ખાનગી શાળા-કોલેજો સમાજની વાડી, બાગ બગીચા, પાર્ટીપ્લોટ ઉપર યોગ નિદર્શન કાર્યક્રમ યોજાશે. ૨૧મી જૂન ૨૦૧૮ની સુવર્ણમયી પ્રભાતે સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ, ખાનગી હોલ, ખાનગી સંસ્થા, શાળા કોલેજોના મેદાનો, સમાજની વાડી, બાગ બગીચા, પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાન મળી ૮૦૦થી વધુ સ્થળોએ યોજાનાર યોગ કાર્યક્રમમાં જોડાવા ઉત્સુકતા દાખવેલ છે. સવારે ૭.૦૦ કલાકથી આર્ટ ઓપ લિવિંગ સંસ્થા અને પતંજલિ યોગ સમિતિના યોગ પ્રશિક્ષકના નિદર્શન હેઠળ તાડાસન, વૃક્ષાસન, ભુજંગાસન, ત્રિકોણાસન, શશકાસન, ભદ્રાસન, શવાસન, પવનમુક્તાસન જેવા વિવિધ સરળ આસનોની સાચી રીત અને તેના ફાયદાઓની સમજ અને નિદર્શનો સાથે યોગ કરાવવામાં આવશે.