(એજન્સી) લખનૌ, તા. ૫
૧૯ વર્ષ જૂના હત્યા કેસમાં અરજદાર કોંગ્રેસના નેતા તલત અઝીઝની સુરક્ષા કરનાર અધિકારી સત્ય પ્રકાશ યાદવને ગોળીઓથી વિંધી નાખવામાં આવ્યા હતા. તલત અઝીઝે એવો આક્ષેપ કર્યો છે કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સામે સેશન્સ કોર્ટે નોટિસ જારી કરી છે ત્યારથી તલત અઝીઝ અને તેમના પરિવારને ધમકાવવામાં આવી રહ્યા છે. તે વખતે યોગી આદિત્યનાથ ગોરખપુરના સંસદ સભ્ય હતા. ઘટના સર્જાઇ ત્યારે અઝીઝ સમાજવાદી પક્ષના નેતા હતા, તેમણે બુધવારે જણાવ્યું કે તેમના પતિને પણ ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે. લખનૌમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (યુપીસીસી)ના કાર્યાલય ખાતે મીડિયા સાથેની વાતચીતમાં અઝીઝે જણાવ્યું કે સત્ય પ્રકાશ યાદવની હત્યાનો કેસ રીઓપન કરવામાં આવ્યો છે ત્યારથી મારા પરિવારના સભ્યોને ધમકીભર્યા ફોનકોલ્સ મળી રહ્યા છે. યોગી આદિત્યનાથ અત્યંત શક્તિશાળી સાંસદ હતા ત્યારથી હું તેમની સામે લડી રહી છું. હવે યોગી આદિત્યનાથ યુપીના સીએમ બની ગયા છે. તેમની વગ અનેક ગણી વધી ગઇ છે. યોગીના પહેલા સરકાર સાથે સંબંધો હતા હવે યોગી પોતે સરકાર થઇ ગયા છે, તેથી હું અસુરક્ષા અનુભવું છું. પોતાની ફરજ માટે પોતાનો જીવ આપીને મારો જીવ બચાવનાર સત્ય પ્રકાશ યાદવને ન્યાય અપાવવા માટે હું લડી રહી છું. યાદવની હત્યાની ઘટના હજી પણ મારા મનમાં તાજી છે. જો કે, ભાજપે જણાવ્યું કે આ બધા આક્ષેપો રાજકીય રીતે પ્રેરિત છે અને તેનો હેતુ સીએમ યોગી આદિત્યનાથની લોકપ્રિયતા વધી રહી હોવાને કારણે તેમને બદનામ કરવાનો છે. વિરોધ પક્ષો રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું ભાજપના પ્રવક્તા ડો.ચંદ્રમોહને ન્યૂઝ ૧૮ને જણાવ્યું છે. સીબી-સીઆઇડી દ્વારા અગાઉ આ કેસ તપાસ કરીને બંધ કરી દેવાયો હતો પરંતુ હવે કેટલાક લોકો રાજકીય લાભ ખાટવા માટે ફરી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. આપણા દેશના ન્યાયતંત્રમાં અમને દ્રઢ વિશ્વાસ છે.