(એજન્સી) લખનૌ,તા.૧૧
સ્મશાન-કબ્રસ્તાન જેવા સાંપ્રદાયિક મુદ્દાઓના જોરે માર્ચ ર૦૧૭માં ઉત્તરપ્રદેશમાં સત્તામાં આવેલ યોગી સરકારે અત્યાર સુધી લઘુમતી સમુદાયના ઉત્કર્ષ માટે કોઈ મહત્વપૂર્ણ પગલાં લીધા હોય એવું જાણવા મળ્યું નથી. પરંતુ સોમવારે તેણે મોટો નિર્ણય લેતા ૪,૦૦૦ ઉર્દૂ શિક્ષકોની ભરતી રદ કરી હતી.
આ ભરતી પ્રક્રિયા ઉત્તરપ્રદેશ પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ડિસેમ્બર ર૦૧૬માં સમાજવાદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેને યોગીએ માર્ચ ર૦૧૭માં રોકી હતી. અને હવે ભરતી કરાયેલ શિક્ષકોને જ પદ ભ્રષ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ઉર્દૂ શિક્ષકોને રદબાતલ કર્યાના બે દિવસ બાદ યોગી સરકારે બુધવારે ત્રણ હિન્દુ ધાર્મિક મેળાઓ માટે ભંડોળની જાહેર કરી છે. રાજયની ભાજપ સરકારે માં લલિતા દેવી શકિતપીઠ અમાવસ મેળા માટે રૂા.૬૦ લાખ, માં પાતેશ્વરી શકિતપીઠ દેવીપતન તુલસીપુર મેળા માટે રૂા.૪૮ લાખ અને માં વિદ્યાવાસીની શકિતપીઠ મેળા માટે રૂા.૩૦ લાખની ચૂકવણી કરી છે.
સરકારે ઉર્દૂ શિક્ષકોની ભરતી રદ કરી અને ધાર્મિક મેળાઓ માટે ભંડોળ પુરૂં પાડયું એ સરખામણી બિનતાર્કિક લાગે પરંતુ મુસ્લિમ સમુદાયની આ મુદ્દે પ્રતિક્રિયા આ તર્કને બળ પુરૂ પાડે છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સમિતિ સભ્ય મૌલાના ખાલિદ રશીદે કહ્યું કે, ઉર્દૂ ઉત્તરપ્રદેશની બીજી અધિકૃત ભાષા છે. સુપ્રીમકોર્ટે ઉર્દૂને પ્રચલિત કરવા માટે આદેશ આપ્યા છે. પરંતુ જેવી રીતે યુ.પી. સરકારે ઉર્દૂ શિક્ષકોની ભરતી રદ કરી છે તે ઘણું અસ્વસ્થ કરનારૂં છે. સરકારે પોતાના નિર્ણય અંગે પુનઃ વિચારણા કરી ઉર્દૂ શિક્ષકોની ભરતી સુનિશ્ચિત કરવી જોઈએ.
ઉર્દૂ વિશેષજ્ઞ આદિલ ફરાઝે સ્પષ્ટ પણે કહ્યું કે ભાજપના એજન્ડા અને તેની નીતિઓ અને કાર્યક્રમોને જોઈને કહી શકાય નહીં કે સરકાર સબકા સાથ સબકા વિકાસને વળગી રહી છે. જો ઉર્દૂનો અંત આણવામાં આવશે તો મુસ્લિમો પાસે તેમની સંસ્કૃતિ અને વારસાને સુરક્ષિત રાખવા કોઈ ભાષા નહી રહે. ઉલ્લેખનીય છે કે ર૦૧૭માં ચૂંટણી પ્રચાર દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જો ગામમાં કબ્રસ્તાન હોય તો સ્મશાન પણ હોવું જોઈએ. વડાપ્રધાન આ નિવેદનને મતોના ધાર્મિક ધ્રૂવીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.