(એજન્સી) લખનૌ, તા. ૭
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે એવો દાવો કર્યો કે બુલંદશહરમાં પોલીસ ઇન્સપેક્ટર સુબોધકુમારસિંહની હત્યા એક અકસ્માત હતો. તેમણે જણાવ્યું કે સુબોધકુમારની હત્યા માટે જવાબદાર પ્રત્યેકને સજા કરવામાં આવશે અને કોઇને પણ છોડવામાં આવશે નહીં. આ મોબ લિંચિંગનો કેસ નથી, બુલંદશહરમાં જે થયું તે એક અકસ્માત હતો. મુખ્યપ્રધાન આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના એક દિવસ બાદ આ પ્રતિક્રિયા આવી છે. મોદી સાથે સીએમ યોગીની બેઠકમાં બુલંદશહરમાં પોલીસ અધિકારીની હત્યાનો મુદ્દો હાથ ધરવામાં આવે તેની અપેક્ષા હતી. બુલંદશહરમાં હિંસક ટોળા દ્વારા પોલીસ ઇન્સપેક્ટર સુબોધકુમારની હત્યા કરવામાં આવી હતી. યોગી આદિત્યનાથે ગુરૂવારે સુબોધકુમારના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાયની ખાતરી આપી હતી. ટોળા દ્વારા હત્યા અંગે પોતાની પ્રથમ પ્રતિક્રિયા બદલ યોગી આદિત્યનાથની ટીકા કરવામાં આવી હતી.