(એજન્સી) લખનૌ, તા.૮
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામમંદિર પર જણાવ્યું કે, દેશ બંધારણથી ચાલવો જોઈએ પરંતુ જો રાજ્ય સરકારના હાથમાં હોત તો હું માત્ર ર૪ કલાકમાં તેનો ઉકેલ લાવી દેતો અને કોઈ વિવાદ જ ના થતો. તેમણે જણાવ્યું કે, આ દેશના સોકોલ્ડ સેક્યુલર લોકોને ભલે જ આ વાત સમજ ના આવે પરંતુ આ દેશના દરેક નાગરિક ભલે તે ગામમાં રહેતા હોય અથવા શહેરમાં તેને ખબર છે કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં જ થયો હતો. આ દરમિયાન વિપક્ષ પર હુમલો કરતા યોગીએ જણાવ્યું કે જે પોતે જાતિની રાજનીતિ કરી રહ્યા છે તે અમને સર્ટિફિકેટ આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આ દેશમાં કેટલાક લોકો એવા છે જેમને અયોધ્યાનું નામ લેવાથી જ કરંટ લાગી જાય છે. મારી ત્રણ પેઢીઓ રામમંદિર આંદોલનથી જોડાઈ રહી છે. જણાવી દઈએ કે યોગીએ ઉપરની વાતો દિલ્હીમાં આયોજિત જાગરણ ફોરમ કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવી હતી.