(એજન્સી) લખનૌ, તા.રપ
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના શાસન હેઠળ રાજ્ય પોલીસ દ્વારા ૩૦૦૦થી વધુ એન્કાઉન્ટરો કરાયા હતા જેમાં ૭૮ ગુનેગારોનું મૃત્યુ થયું હતું. યોગીએ ૧૯ માર્ચ, ર૦૧૭માં સત્તા સંભાળી હતી. આ એન્કાઉન્ટરો માર્ચ ર૦૧૭થી જુલાઈ ર૦૧૮ સુધીના છે. રાજ્યની સિદ્ધિઓને ગણતંત્ર દિવસે વર્ણવવાની છે. જેમાં ઉપરોક્ત સિદ્ધિઓ સરકાર ગણાવી રહી છે જેનો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. ઉ.પ્ર.ના સચિવ અનુપ ચંદ્ર પાંડેએ કહ્યું કે, બધા જિલ્લાના મેજિસ્ટ્રેટોને જણાવાયું છે કે, રાજ્યની સિદ્ધિઓમાં ઉપરોક્ત સિદ્ધિઓ પણ જણાવવામાં આવે. સચિવના પત્ર મુજબ રાજ્યમાં ગુનેગારી નાબૂદ કરવા સરકારે અભિયાન ચલાવ્યું છે. જે મુજબ જુલાઈ ર૦૧૮ સુધી ૩૦ર૬ એન્કાઉન્ટરો પોલીસ દ્વારા કરાયા હતા જેમાં ૬૯ ગુનેગારોનું મૃત્યુ થયું હતું. ૭૦૪૩ ગુનેગારોની ધરપકડો થઈ હતી અને ૮૩૮ ગુનેગારોને ઈજાઓ થઈ હતી. ૧૧,૯૮૧ ગુનેગારોની જામીનો રદ કરાઈ એમને જેલમાં મોકલાયા હતા. એસટીએફના એન્કાઉન્ટરોમાં ૯ ગુનેગારો મૃત્યુ પામ્યા હતા અને ૧૩૯ની ધરપકડ કરાઈ હતી. આંકડાઓના પૃથક્કરણથી જણાઈ આવે છે કે, સરેરાશ પ્રતિ દિવસે ૬ એન્કાઉન્ટરો થયા. ૧૪ ગુનેગારોની ધરપકડો થઈ. મહિનામાં ૪નું મૃત્યુ થયું હતું. ગયા વર્ષે પણ સરકારે ર૬મી જાન્યુઆરી ર૦૧૮ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટોને આ જ રીતે એન્કાઉન્ટરોને સિદ્ધિઓ તરીકે પ્રસિદ્ધ કરવા કહ્યું હતું. જે તે સમય દરમિયાન ૯ મહિનામાં ૧૭ ગુનેગારોનું મૃત્યુ થયું હતું અને ૧૦૯ની ધરપકડ કરાઈ હતી.