(એજન્સી) લખનઉ, તા.૨૦
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ૭૨ કલાકનો પ્રતિબંધ પુરો થયા બાદ ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સંભલમાં ચૂંટણી સભાને સંબોધતા યોગી આદિત્યનાથે જણાવ્યું કે પોતાની જાતને બાબરના વંશજ કહેનાર વ્યક્તિ આજે ગઠબંધનના ઉમેદવાર બનીને તમારી સામે છે. તે ઉપરાંત યોગીએ સ્મશાન-કબ્રસ્તાનનો રાગ પણ અલાપ્યો છે. યોગીએ કહ્યું કે અગાઉની સરકારો કબ્રસ્તાન માટે નાણા આપતી હતી, સ્મશાન માટે નહીં પરંતુ અમે બધા માટે નાણા આપી રહ્યા છીએ. તે ઉપરાંત યુપીના સીએમે કહ્યું કે જે વ્યક્તિને વંદે માતરમ ગાવામાં સંકોચ થાય છે, તેને વોટ મેળવવાનો કોઇ અધિકાર નથી. યોગીએ કહ્યું કે ભારતની સરકારે મોદીજીના નેતૃત્વમાં પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. આતંકીઓનો સફાયો કર્યો છે. જો આજે કોઇ બહેન-દીકરી સાથે અત્યાચાર કરવા બદલ જેલ થશે કે પછી સીધા રામ નામ સત્ય થઇ જાય છે. યોગીએ કહ્યું કે સમાજવાદી પાર્ટીના મોટા નેતા ચૌધરી વિરેન્દ્ર સિંહે મને થોડાક દિવસ પહેલા ફોન કર્યો હતો, તેઓ બે વાર પ્રધાન પણ રહ્યા છે અને ભાજપનું સમર્થન કરવાની વાત કરી હતી. યુપીમાં બે તબક્કાની ચૂંટણી અંગે યોગીએ કહ્યું કે અત્યાર સુધીનો સ્કોર સપા-બસપા- કોંગ્રેસ ઝીર છે અને બધી ૧૬ સીટ ભાજપ જીતી રહ્યો છે. ત્રીજા તબક્કામાં કોઇ ભૂલ થવી જોઇએ નહીં અને ભગવો ધ્વજ ઝુકવો જોઇએ નહીં.