(એજન્સી)
ગોરખપુર, તા.ર૮
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં તૈનાત એક પોલીસ અધિકારીની સીએમ યોગીની સાથેની તસવીરો આ સમયે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ તસવીરોમાંથી એકમાં આ પોલીસ અધિકારી સીએમ યોગી કે જેઓ ગોરખનાથ મંદિરના મહંત પણ છે તેમની સામે ઘૂંટણ ટેકવીને હાથ જોડતા નજરે પડ્યા. બીજી તસવીરમાં સીએમ યોગી પોલીસ અધિકારીના માથે તિલક લગાવી રહ્યાં છે. આ અધિકારીનું નામ પ્રવીણકુમાર સિંહ છે, જેમણે પોતે પણ ફેસબુક પર આ તસવીરો શેર કરી છે. એક તસવીરમાં પ્રવીણકુમાર સિંહ, સીએમ યોગીને માળા પહેરાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પ્રવીણકુમાર હાલ ગોરખપુરના ગોરખનાથ વિસ્તારમાં સર્કલ ઓફિસર છે અને તેમના હેઠળ ઘણા પોલીસ સ્ટેશનો આવે છે. તસવીરોને શેર કરતાં પ્રવીણકુમાર સિંહે ફેસબુક પર લખ્યું છે કે, તેઓ ગુરુપૂર્ણિમાના દિવસે સીએમ પાસે નહીં પરંતુ ગોરખનાથ મંદિરના મહંત પાસેથી આશીર્વાદ લઈ રહ્યાં છે, અને તેમણે એવું પણ લખ્યું કે તેઓ પોતાની જાતને ‘સદ્‌નસીબ’ માની રહ્યાં છે. પરંતુ આ તસવીરો સામે આવતા જ એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું પોલીસની વર્દી પહેરીને આ અધિકારીએ આજું કરવું જોઈએ. ફેસબુક અને ટ્‌વીટર પર તેના પક્ષમાં અને વિરોધમાં ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી રહી છે.