(એજન્સી) જયપુર, તા.૩૦
હિન્દુઓના દેવ હનુમાનને દલિત કહેનાર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે ચૂંટણી પંચને વિનંતી કરી છે.
ચૂંટણી પંચને કરેલ ફરિયાદમાં કોંગ્રેસે કહ્યું કે, યોગીએ રાજસ્થાનમાં સાંપ્રદાયિક સદ્‌ભાવનાને ઠેસ પહોંચાડી છે. કોંગ્રેસના મહામંત્રી સુશીલ શર્માના કહેવા મુજબ અલવરમાં યોગીએ ભગવાન હનુમાન અંગે નિવેદન કરી હિન્દુઓની લાગણીઓ દુભાવી છે. તેથી યોગીને પ્રચાર કરતા રોકવા ચૂંટણી પંચને વિનંતી કરાઈ છે.
દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી સત્યપાલ ચૌધરીએ દાવો કર્યો છે કે, હનુમાનજી આર્ય હતા. બીજી તરફ સર્વ બ્રાહ્મણ સમાજના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ કહ્યું કે, જાતિગત ધોરણે ભગવાન હનુમાનનું વર્ગીકરણ નિંદાજનક છે. જે સહન નહીં કરાય.
મિશ્રાએ કહ્યું કે, યોગીને આ બાબતે કાનૂની નોટિસ મોકલાઈ છે અને માફી માંગવા કહ્યું છે. માફી નહીં માંગે તો કેસ કરાશે.

હનુમાનને દલિત કહેતા યોગી સામે કોર્ટમાં ફરિયાદ થઈ

(એજન્સી) લખનૌ, તા.૩૦
ભગવાન હનુમાનને દલિત કહેનાર યોગી આદિત્યનાથને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મુરાદાબાદમાં ત્રિલોક દિવાકર નામના વકીલે યોગીના આ નિવેદનને હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું. તેમણે યોગી સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ૧૦ ડિસેમ્બરે સુનાવણી થશે. યોગીએ હનુમાનજીને દલિત-વનવાસી બનાવ્યા હતા.
હિન્દુ મહાસભાએ યોગી આદિત્યનાથ પર હિન્દુઓને વિભાજીત કરવાનો આરોપ લગાવ્યો

(એજન્સી) લખનૌ,તા.૩૦

હિન્દુ મહાસભાએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર હિન્દુઓને વિભાજીત કરવાનો આરોપ મુકયો છે.
ચૂંટણીપંચને એક પત્ર લખી હિન્દુ મહાસભાએ જણાવ્યું છે કે ચૂંટણીમાં હિન્દુઓની ભાવનાઓને પ્રભાવિત કરવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે કાર્યવાહી કરવી જોઈએ. યોગીએ રાજસ્થાનના અલવરમાં રેલી દરમ્યાન ભગવાન હનુમાનને વનવાસી વંચિત અને દલિત કહ્યા હતા. હિન્દુ સમુદાયના અને આ નિવેદનથી હિન્દુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. પત્રમાં વધુમાં જણાવ્યું છે કે યોગીએ માત્ર હિન્દુ સમૂદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી નથી પરંતુ ચૂંટણી જીતવા હિન્દુઓને જાતિ આધારે વિભાજીત કર્યા છે. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથે અલવરના માલા ખેડામાં ચૂંટણી સભા સંબોધતા ભગવાન હનુમાનને દલિત અને વનવાસી બનાવ્યા હતા. જેનાથી નારાજ થઈ સવર્ણ બ્રાહ્મણ મહાસભાએ યોગીને કાનૂની નોટિસ મોકલી છે. વિપક્ષોએ યોગીને નિશાન પર લીધા બાદ રાજયપાલ રામનાઈકે પણ યોગીને મર્યાદામાં રહેવા કહ્યું છે.

દેવોને જાતિ સાથે જોડવા અયોગ્ય : ભાજપના ધારાસભ્ય

(એજન્સી) લખનૌ,તા.૩૦
દરમ્યાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ભગવાન હનુમાનને દલિત બનાવવા બદલ ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહને કહ્યું કે દેવ-દેવતાઓને જાતિ સાથે જોડવા યોગ્ય નથી. તેમણે કહ્યું કે ભગવાન તમામ જાતિના છે. ભગવાનને કોઈ જાતિ સાથે જોડવા યોગ્ય નથી.