(એજન્સી) લખનઉ,તા. ૨૧
પદ્માવતી પર ચાલી રહેલા વિવાદની વચ્ચે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવું કહ્યું કે પ્રદર્શન કરનાર લોકો જેટલા દોષી છે તેટલા દોષી ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણશાળી પણ છે. તેમણે કહ્યું કે ફિલ્મ અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને ધમકીઓ માટે ભણશાળી પણ એટલા જ જવાબદાર છે. તેમણે કહ્યું કે ભણશાળીને લોકલાગણીની ઠેસ પહોંચડવાની આદત પડી ગઈ છે. આ કેસમાં પ્રદર્શનકારીઓની સાથે ભણશાળીની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. યોગીએ કહ્યું કે કાયદો હાથમાં લેવાનો કોઈને પણ અધિકાર નથી. પછી તે સંજય લીલા ભણશાળી હોય કે બીજો કોઈ. મને લાગે છે કે ફિલ્મી કલાકારોને ધમકી આપનારા લોકો દોષી તો છે જ પરંતુ તેની સાથે જનભાવનાને ઠેસ પહોંચડાવનાર ફિલ્મના નિર્માતાઓ પણ એટલા જ દોષી છે. તેમણે કહ્યું કે ભણશાળી પણ ઓછા દોષી નથી. જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાના એક સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું બધાએ આ બયાનોથી દૂર રહેવુ જોઈએ. અને એકબીજાનું સન્માન કરવુ જોઈએ. જો આવી ભાવના રાખવામાં આવે તો સમાજમાં શાંતિ સ્થાપિત થશે. સંજય લીલા ભણશાળીની ૨૦૦ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ પદ્માવતી પર ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ પણ જોડાયા છે. ૭૫ વર્ષીય સિંહે કહ્યું કે કોઈને પણ ઇતિહાસ થા છેડછાડ કરવાનો હક નથી તેને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવામાં આવે. જેઓ વિરોધ કરી રહ્યાં છે તેઓ સાચા છે.આવું કરવાનો તેમને અધિકાર છે. પાદમાવતી પર ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં મધ્યપ્રદેશ અને પંજાબ પણ જોડાયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચોહાણે સોમવારે જાહેરાત કરી કે રાજ્યમાં આ ફિલ્મને પ્રદર્શિત નહી થવા દેવાય. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આ ટીપ્પણી એવે સમયે આવી છે કે જ્યારે ફિલ્મ નિર્માતા અને અભિનેત્રી દિપિકાને લગાતાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.