(એજન્સી) લખનૌ, તા.ર૮
ઉત્તરપ્રદેશ સરકારે આદેશ કર્યો છે કે એ મુખ્યમંત્રી યોગી વિરૂદ્ધ દાખલ થયેલ ઓછામાં આઠ કેસો પાછા ખેંચશે. સરકારે રાજકીય કારણોસર દાખલ થયેલ ર૦ હજાર કેસો પાછા ખેંચવાના આદેશો કર્યા છે. એમાં ચાર કેસોનો સમાવેશ થઈ જાય છે. સરકારે કેસો પાછા ખેંચવાની કામગીરી શરૂ કરી છે.
રાજ્યપાલ રામ નાઈકે સરકારના નિર્ણયને મંજૂરી આપી છે. યોગી ઉપરાંત કેન્દ્રીય મંત્રી શિવપ્રતાપ શુક્લા વિરૂદ્ધના કેસો પણ પાછા ખેંચાશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કેસો પાછા ખેંચવાની જાહેરાત ગૃહમાં કરી હતી અને જણાવ્યું હતું કે પાછલી સરકારે રાજકારણથી પ્રેરિત થઈ આ કેસો કર્યા હતા જેમાં આરોપીઓ નિર્દોષ છે. સમાજવાદી પક્ષના નેતાઓએ યોગી સરકારના નિર્ણયની આલોચના કરી છે. પક્ષના પ્રવક્તા નાવેદ સિદ્દીકીએ પત્રકારોને જણાવ્યું કે નિર્ણયથી પૂરવાર થાય છે કે સરકારને લોકો સાથે કોઈ લેવા-દેવા નથી પણ ફક્ત પોતાને સુરક્ષિત રાખવા પોતે કરેલ ખોટા કૃત્યોને સાચા ઠરાવવા પ્રયાસો કરે છે. કોંગ્રેસના અખિલેશ પ્રતાપસિંઘે કહ્યું કે એક તરફ સુપ્રીમ કોર્ટ રાજકારણીઓ સામે દાખલ થયેલ કેસોના ઝડપી નિકાલ માટે વિશેષ કોર્ટની રચના કરવા કહે છે પણ ભાજપા સરકાર રાજકારણીઓ સામે થયેલ કેસો પરત ખેંચી રહી છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સદંતર વિરૂદ્ધમાં છે. કોંગ્રેસ ધારાસભ્ય દીપક સિંઘે સરકાર ઉપર બેવડા ધોરણે વાતો કરવાના આક્ષેપો કર્યા હતા. એક તરફ સરકાર ઉત્તરપ્રદેશમાં યુપી કોકા જેવા કાયદાઓ લાવી રહી છે અને બીજી બાજુ એ પોતાના મુખ્યમંત્રીને ગંભીર કેસોમાંથી મુક્તિ આપી રહી છે. જો કે સપાએ પણ એમના શાસનકાળમાં ૧૮૦૦ કેસો પાછા ખેંચ્યા હતા.