(એજન્સી) મુંબઇ, તા. ૨૬
શિવસેના પ્રમુખને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તેમને આ વાતનો અફસોસ છે કે છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ તેમનો સહયોગી છે ? જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે, કેટલીક વસ્તુઓ અંગે અફસોસ છે, કારણ કે ભાજપની નવી પેઢીમાં હિન્દુત્વના આદર્શ દેખાતા નથી.’ એક કાર્યક્રમમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સામે પ્રહારો કરતા ભાષાની મર્યાદા તોડી નાખી હતી. તેમણે કહ્યું કે યોગી આદિત્યનાથને ચંપલોથી મારવા જોઇએ. ઠાકરેના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શિવાજીની પ્રતિમા પર માળા અર્પણ કરતી વખતે ખડાઉ (ચંપલ) પહેરેલા રાખ્યા હતા. શિવસેના પ્રમુખે આ બાબતને શિવાજીનું અપમાન ગણાવીને યોગી આદિત્યનાથ સામે આ ટિપ્પણી કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે ભાજપના યુવા નેતાઓમાં હિન્દુત્વના આદર્શ દેખાતા નથી. શિવસેના ઘણા સમયથી ભાજપ સામે પ્રહારો કરે છે. મહારાષ્ટ્રની સત્તામાં ભલે જ બંને પક્ષો ભાગીદાર છે પરંતુ નેતાઓ વચ્ચે કડવાશ ઓછી થતી જણાતી નથી. ઉદ્ધવ ઠાકરેએ એવું પણ જણાવ્યું કે સત્તામાં આવ્યા બાદ ભાજપ અહંકારી થઇ ગયો છે. તેમના મત મુજબ ૨૮મી મેના રોજ પાલઘરમાં યોજાનારી લોકસભાની પેટાચૂંટણી ઘમંડ અને વફાદારી વચ્ચે નિર્ણય કરશે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે ઇશ્વરના પ્રતીકરૂપ શિવાજી મહારાજની પ્રતિમા સામે જતા પહેલા ખડાઉ ઉતારવાની બાબત તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરે છે અને આ એક સામાન્ય પ્રક્રિયા છે. યોગીએ એમ ન કર્યું. તેમની પાસે વધુ શું અપેક્ષા રાખી શકાય ? આ શિવાજી મહારાજનું અપમાન છે. ઉદ્ધવે જણાવ્યું કે જો આદિત્યનાથ એક યોગી છે તો શિવાજી ‘શ્રીમંત યોગી’ છે. નોંધનીય છે કે, શિવસેનાના સતત પ્રહારો છતાં પણ ભાજપ અત્યાર સુધી બહુ જ સાચવીને પ્રતિક્રિયા આપી રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું કે બાળા સાહેબની શિવસેના પીઠમાં ખંજર ભોંકતી ન હતી. ઉદ્ધવે જણાવ્યું કે તેમના પિતા બાળ ઠાકરેએ ભાજપના ‘ખરાબ કર્મો’ સહન કર્યા છે પરંતુ તેઓ એમ કરશે નહીં. તેમની પાર્ટી ૨૫ વર્ષ સુધી હિન્દુત્વ માટે ભાજપ સાથે રહી છે.