(એજન્સી) પ્રતાપગઢ, તા.ર૪
પ્રદેશના વિકાસ પર ભાર મૂકી રહેલા સીએમ આદિત્યનાથે સોમવારે પ્રતાપગઢના મધુપુર ગામની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન ગામમાં પંચાયત બોલાવીને યોગીએ જનતાના પ્રશ્નો જાણવાની કોશિશ કરી અને ગ્રામીણો પાસેથી સરકારી યોજનાઓ અંગે માહિતી પણ મેળવી.
જનતા સાથે સીધા સંવાદમાં સીએમ યોગીએ ગ્રામીણોને પૂછ્યું કે ‘ગામમાં શૌચાલય બન્યા છે કે નહીં ? યોગીના આ પ્રશ્નનો મોટાભાગના ગ્રામીણોએ એક સ્વરમાં ‘ના’ માં જવાબ આપ્યો હતો. ગ્રામીણોએ કહ્યું કે એમના ઘરમાં શૌચાલય બન્યા નથી. ત્યારબાદ સીએમ યોગીએ શૌચાલયની જાણકારી માંગીને અધિકારીઓને ધમકાવ્યા હતા.
આ પંચાયતમાં યોગીએ રેશનકાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સરકારની યોજનાઓનો જેવી કે જનધન યોજના, ઉજ્જવલા યોજનાનો લાભ ગ્રામીણોને મળ્યો છે કે નહીં એ અંગે પણ પ્રશ્નો પૂછ્યા હતા. આ તમામ બાબતોનો લાભ નહીં મળ્યો હોવાનો ગ્રામીણોએ સીએમ યોગીને જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ બાબતે સંબંધિત અધિકારીઓને ધમકાવીને ગ્રામીણોને યોજનાઓના તાત્કાલિક લાભ પૂરા પાડવા આદેશ કર્યો હતો અને આ યોજનાઓમાં લાંચ માંગનાર અધિકારીઓ વિરૂદ્ધ પગલાં ભરવાની ખાતરી આપી હતી.