(એજન્સી) મુંબઈ, તા.ર૪
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે એક ચૂંટણી રેલી દરમિયાન શિવસેના પર હુમલો કર્યો હતો. યોગીએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટી પર બીજેપીના પીઠમાં ખંજર ભોંકવાનો આરોપ મૂક્યો છે. આ દરમિયાન યોગીએ શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આજની શિવસેના બાળ ઠાકરેવાળી શિવસેના નથી. તેમણે શિવસેનાની તુલના અફઝલખાન સાથે પણ કરી તેમણે કહ્યું કે શિવસેનાના કાર્ય મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ કરતા અલગ છે. યોગીએ પેટાચૂંટણીમાં પૂર્વ સાંસદ દિવંગત ચિંતામન વણગાના પુત્રને ઊભા કરવા માટે ભગવા દળના આંતરિક મામલામાં દખલગીરી કરવાનો પણ શિવસેના પર આરોપ મૂક્યો છે. બીજી તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એક રેલી દરમિયાન નિશાન સાધ્યું હતું. ઉદ્ધવે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ચૂંટણી દરમિયાન દેશમાં રહે છે અને ચૂંટણીઓ સમાપ્ત થતા જ દેશ છોડીને ચાલ્યા જાય છે.