(એજન્સી) તા.૨૮
યુપીના ગોરખપુર મેડિકલ કોલેજમાં ગત વર્ષે ઓક્સિજનના અભાવે બાળકનાં મોતનો મામલો ફરી એકવાર ચર્ચાનો વિષય બની રહ્યો છે. શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મેડિકલ કોલેજમાં નવજાત બાકળોનાં મોત ઓક્સિજન ખૂટી પડવાને કારણે થયા ન હતા. સીએમ યોગીના આ નિવેદન બાદ હવે કોલેજમાં તૈનાત રહેલા ડો. કફીલ ખાને કહ્યું કે યોગી આદિત્યનાથ જૂઠ્ઠું બોલે છે. ડો. કફીલે આરોપ મૂક્યો કે સીએમ આ મામલે રાજનીતિ કરી રહ્યાં છે અને લોકોને ભ્રમિત કરી રહ્યાં છે. નોંધનીય છે કે યોગી આદિત્યનાથે શનિવારે એક ભાષણ દરમિયાન કહ્યું હતું કે બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજમાં ગત વર્ષે ઓગસ્ટમાં ૨૪ કલાક દરમિયાન મોટી સંખ્યામાં બાળકોના મરવાની ઘટનાને ત્યાંની આંતરિક રાજનીતિને કારણે હવા મળી હતી. ગત વર્ષે ૧૦-૧૧ ઓગસ્ટે ગોરખપુર મેડિકલ કોલેજમાં ઓક્સિજન ખૂટી પડવાને લીધે મોટી સંખ્યામાં દર્દી બાળકોનાં મોતના સમાચાર સાંભળી તેમને બે વર્ષની જૂની એવી જ એક ઘટના યાદ આવી હતી. જ્યારે એક મીડિયા રિપોર્ટરે હોસ્પિટલ કર્મચારીઓ દ્વારા વોર્ડમાં ન ઘૂસવાને દેવાને કારણે ઉપજેલી નારાજગીમાં ખોટા સમાચાર ફેલાવ્યા હતા. સીએમે કહ્યું કે બીઆરડીમાં બાળકોનાં મોત ઓક્સિજનના અભાવને કારણે થયા ન હતા. આ મામલે બીઆરડીના તત્કાલિક બાળરોગ વિભાગના ઈન્ચાર્જ રહેલા અને આ કેસના આરોપી ડો.કફીલે કહ્યું કે મુખ્યમંત્રીએ જે કહ્યું તે ખોટું છે. અનેક એવા નવજાત બાળકોના પણ મોત ઓક્સિજનના અભાવને કારણ થયા હતા જેમને ઈન્સફેલાઇટિસ થયું ન હતું. ઓક્સિજનના સપ્લાયરે સ્પષ્ટ લખ્યું હતું કે તેને પૈસા ચૂકવી દેવામાં આવે કે જેથી કરીને ઓક્સિજનના સપ્લાયમાં કોઈ અવરોધ પેદા ન થાય.