(એજન્સી) લખનૌ, તા. ૧
લખનૌમાં એપલ ઇન્ડિયાના મેનેજર વિવેક તિવારી દ્વારા કાર નહીં રોકતા પોલીસકર્મીઓએ સીધી ગોળી મારી તેની હત્યા નીપજાવવાથી સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યે ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે પણ સાથે જ પોલીસ પ્રત્યે ડર પણ છે. આ ડરને પગલે જ યુપીના બનારસ શહેરમાં બાળકોએ પોસ્ટર સાથે પોલીસને અપીલ કરી છે જે ઘણી જ ભાવુક છે, સાથે જ પોલીસ માટે શરમજનક પણ છે. પોસ્ટર્સમાં બાળકોએ લખ્યું છે કે, ‘પોલીસ અંકલ, તમે ગાડી રોકશો તો પપ્પા રોકાઇ જશે, પ્લીઝ ગોળી ના મારશો.’
પીએમ નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર બનારસની બાળ ગાયિકા અંશિકા સિંહે આ પોસ્ટર બહાર પાડ્યા છે. અંશિકા સિંહ ટીવી શો સારેગામાપામાં ભાગ લઇ ચૂકી છે. અંશિકાએ સમાચાર એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લખનઉમાં જે વિવેક તિવારીને પોલીસે મારી નાખ્યા છે તેમની બે નાની પુત્રીઓ છે. પોલીસે આમ કરી અમને પણ ડરાવી દીધા છે. તેણે કહ્યું કે, હું પણ હંમેશા મોડી રાતે શો કરી પરત ઘરે ફરૂ છું. એક વખત પપ્પા સાથે પરત ફરતી હતી ત્યારે પોલીસે ગાડી રોકી અભદ્ર વર્તન કર્યું હતું. તેમણે ડંડાથી માર માર્યો હતો અને હવે આ ઘટના સામે આવ્યા બાદ હું વધુ ડરી ગઇ છું. મેં પણ મારા પિતાને કહ્યું છે કે, હવે પોલીસ રોકે તો રોકાઇ જજો. અંશિકા હવે આજુબાજુના વિસ્તારના બાળકોને આ અંગે જણાવી રહી છે. તે તેમને કહે છે કે, પોત-પોતાના પિતાને કહે કે, પોલીસ રોકે તો રોકાઇ જજો. સાથે જ પોસ્ટરમાં પણ પોલીસને અપીલ કરી છે કે, તેઓ તેમને રોકે તો તેઓ રોકાશે પણ તેમને ગોળી ના મારશો. અંશિકાએ એમ પણ કહ્યું કે, આ વાત તમામ બાળકો સુધી પહોંચાડવી છે. તેણે આ માટે અન્ય ગાડીઓ પર પોસ્ટર લગાવ્યા છે અને તેના પિતાની ગાડી પર પણ એક પોસ્ટર લગાવ્યું છે.
બાળકોની ભાવુક અપીલ : ‘પોલીસ અંકલ, મારા પપ્પાને રોકશો તો રોકાઇ જશે…પ્લીઝ ગોળી ના મારશો’ : યોગી સરકાર માટે શરમજનક

Recent Comments