(એજન્સી) ગોરખપુર, તા.૧૩
ઓક્સિજનની ચૂકવણીમાં વિલંબ થયાની વાત ઉત્તરપ્રદેશ સરકારે એક દિવસ બાદ માની લીધા બાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ બાબા રાઘવ દાસે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી અને નેતાઓની મુલાકાતને કારણે પણ અંધાધૂંધી સર્જાઈ. લિક્વિડ ઓક્સિજન સમાપ્ત થઈ ગયાના ૪૮ કલાકમાં ૩૦થી વધુ બાળકો મોતને ભેટ્યા હતા. આ માટે પુષ્પા સેલ્સ નામની ઓક્સિજન પૂરૂં પાડનારી કંપની હોસ્પિટલ પાસેથી ૬પ લાખ રૂપિયાનું લેણું બાકી હતું. જો કે, રાજ્ય સરકારે સૌપ્રથમ ઓક્સિજનની કમીને કારણે મોતના અહેવાલને ફગાવી દીધો હતો. બીજી તરફ બાળકોના માતા-પિતા ઓક્સિજન પંપ હટાવી લેવાના થોડા સમયમાં જ તેમના બાળકોના મોત થયાનો દાવો કરી રહ્યા છે. કોલેજના પ્રિન્સિપાલ ડો.રાજીવ મિશ્રાએ મોત અંગે જવાબદારી લેતા શનિવારે જ રાજીનામું આપી દીધું હતું. જો કે રાજ્ય સરકાર તેવું કહે છે કે તેમને કાઢી મૂકાયા છે. મેડિકલ એજ્યુકેશનના રાજ્યમંત્રી આશુતોષ ટંડને જણાવ્યું હતું કે સરકારે ઓક્સિજન માટે પાંચમી ઓગસ્ટે જ ભંડોળ જારી કરી દીધું હતું અને પ્રિન્સિપાલ પર યોગ્ય સમયે ચૂકવણી ન કરવાનો આરોપ લગાવ્યો હતો. ગોરખપુર સરકારી મેડિકલ કોલેજમાં ૭૨ બાળકોના ચકચારભર્યા મોત બાદ આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું કે આ મોત માટે બેદરકારી બતાવનાર કોઈ પણ જવાબદાર વ્યક્તિને છોડાશે નહીં દરમ્યાન મોતનો આંકડો ૭૦ સુધી પહોંચ્યો છે. મગજના તાવથી આજે વધુ ૪ બાળકોના મોત થયાં હતા. દરમ્યાન ગોરખપુરની મેડિકલ કોલેજ હોસ્પિટલની મુલાકાતે આવેલ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અત્રે જણાવ્યું કે ઘટનાની તપાસનો અહેવાલ આપ્યા બાદ બેદરકારી દર્શાવનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ છોડાશે નહીં. તેવો વિશ્વાસ આપું છું. તેમણે કહ્યું કે જે લોકોની સંવેદના મરી ચૂકી છે તે લોકો આ સંવેદનશીલ મુદ્દો ઉઠાવી દર્દ પર નમક ભભરાવી રહ્યા છે. યોગીએ કહ્યું કે જ્યારે કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ સ્વાસ્થ્યમંત્રી હતા ત્યારે તેઓ અહિંયા આવ્યા હતા અને કહ્યું હતું કે અમે આ મુદ્દે કઈ કરી શકતા નથી. આ રાજ્યનો મુદ્દો છે. બાળકોના મોત પર યોગી આદિત્યનાથે કહ્યું કે બાળકો માટે મારાથી વધુ લાગણી કોઈની અંદર હોઈ શકે નહીં. વડાપ્રધાન આ ઘટનાથી ચિંતિત છે. તેમણે દરેક પ્રકારની મદદની ખાત્રી આપી છે. આ પહેલાં શનિવારે યોગી આદિત્યનાથે બાળકોના મોત માટે ગંદકીને જવાબદાર ઠરાવી હતી. કેન્દ્રીય મંત્રી જે.પી. નહા, સી.એમ. યોગી સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. દરમ્યાન બીઆરડી હોસ્પિટલના પ્રિન્સિપાલ તરીકે પી.કે. જૈનની નિમણૂક કરાઈ છે. યુપીના કોંગ્રેસ પ્રમુખ રાજબબ્બરે યોગી પર આરોપ મૂકી કહ્યું કે તમે પહેલેથી જ કહો છો કે બાળકોના મોત ઓક્સિજનની કમીથી થયા નથી તો હવે શું તપાસ કરશો ? ડાબેરી નેતા યેચૂરીએ કહ્યું કે ૬૩ બાળકોના મોત અપરાધિક લાપરવાહી છે તેના માટે કોણ જવાબદાર છે તે સ્પષ્ટ કરવું જોઈએ. શુક્રવારે ખબર આવી હતી કે ૪૮ કલાકમાં બીઆરડી હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીથી ૩૦ બાળકોના મોત થયાં હતા. ૭થી ૧૧ ઓગસ્ટ વચ્ચે ૬૦ બાળકોના મોત થયાં હતા હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠો આપનાર પુષ્પા સેલ્સે બાકી રકમ ન ચૂકવવા બદલ પુરવઠો રોકી દીધો હતો. તે માટે પહેલેથી જ સૂચના આપી હતી. તેમ છતાં હોસ્પિટલે કોઈ જ કદમ ઉઠાવ્યા ન હતા. કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ અને સ્વાસ્થ્ય સચિવ સી.કે. મિશ્રાએ બીઆરડી મેડિકલ કોલેજ સાથે આજે મુલાકાત લઈ અને ખામીઓની તપાસ કરી હતી. બીઆરડી કોલેજના પ્રિન્સીપાલ આર.કે. મિશ્રાને બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર બીઆરડી કોલેજની મુલાકાત બાદ કહ્યું કે મુખ્ય સચિવના અધ્યક્ષપદે તપાસ સમિતિની રચના કરાઈ છે. તેનો અહેવાલ આવ્યા બાદ જવાબદાર લોકો સામે કઠોર કાર્યવાહી કરાશે. યોગી આદિત્યનાથ સાથે કેન્દ્રીયમંત્રી જે.પી. નડ્ડા પણ બી.આર.ડી. હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. અગાઉ કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે બીઆરડી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તમામ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને આ ઘટનાની તપાસ માટે નિમવાની માગણી કરી હતી.