(એજન્સી) ગોરખપુર, તા.૩૦
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આવેલ બાબા રાઘવદાસ મેડિકલ કોલેજ (બીઆરડી)માં બાળકોના મોતના બનાવ સતત બની રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં બીઆરડી મેડિકલ કોલેજમાં ૬૧ બાળકોના મોત થયા છે. જેમાંથી સાત બાળકોના મોત મગજમાં ઈન્ફેકશનના લીધે થયા છે. માત્ર એનઆઈસીયુમાં જ ર૬ નવજાત બાળકોના જીવ ગયા છે. આ મહિનામાં અત્યારસુધી ર૯૦ બાળકોના મોત થયા છે. ઈન્સેફલાઈટિસ વોર્ડના પ્રિન્સીપલ પી.કે સિંધે જણાવ્યા મુજબ ખાસ કરીને બાળકોના વોર્ડમાં જાન્યુઆરીથી અત્યાર સુધી ૧૨૫૦ બાળકોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રવિવાર અને સોમવારે નવજાત સઘન ચિકિત્સા કક્ષ (એનઆઈસીયુ)માં ર૬ અને ઈન્સેફલાઈટિસ વોર્ડમાં ૧૧ સહિત કુલ ૩૭ બાળકોના મોત થયા છે. મેડિકલ કોલેજના આચાર્ય ડૉક્ટર પી.કે.સિંઘે કહ્યું કે આ વર્ષમાં અત્યારસુધી કુલ ૧રપ૦ બાળકોના મોત થયા છે. ઓગસ્ટના બીજા અઠવાડિયામાં ઓક્સિજનની અછતના કારણે ૩૦ બાળકોના મોત થયા હતા. આ મામલે કોલેજના ભૂતપૂર્વ આચાર્ય રાજીવ મિશ્રા અને તેમની પત્ની પુર્ણિમા શુકલાની એક જાણીતા એડવોકેટના ઘરેથી સ્પેશિયલ ટાસ્કફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે એડવોકેટ પર પણ કાર્યવાહી થઈ શકે છે. કોલેજને ઓક્સિજન પુરવઠો પૂરો પાડનાર પુષ્પા સેલ્સના સંચાલકો, આચાર્ય મિશ્રા અને તેમની પત્ની સહિત સાતથી વધુ કર્મચારીઓ અને ડૉક્ટરો વિરૂદ્ધ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની વિરૂદ્ધ બેદરકારી, ભ્રષ્ટાચાર અને હત્યાનો કેસ દાખલ છે. બાળચિકિત્સા કેન્દ્ર દ્વારા ઓક્સિજન પુરવઠામાં અછત અને ઈન્ફેકશનને બાળકોના મોત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે પરંતુ હોસ્પિટલ અને જિલ્લા પ્રશાસને ઓક્સિજન પુરવઠામાં અછતને મૃત્યુનું કારણ માનવાનો ઈન્કાર કર્યો છે. આ મહિનામાં ર૮ ઓગસ્ટ સુધી એનઆઈસીયુમાં ર૧૩ અને ઈન્સેફલાઈટિસ વોર્ડમાં ૭૭ સહિત ર૯૦ બાળકોના મોત થયા છે. ડૉ.સિંઘે કહ્યું કે, એનઆઈસીયુમાં અતિગંભીર હાલતવાળા બાળકો જેમાં સમય પહેલાં જન્મેલા, ઓછા વજનવાળા, ન્યુમોનિયા અને ચેપી રોગગ્રસ્ત બાળકો ઈલાજ માટે આવે છે. ઈન્સેફલાઈટિસથી પીડિત બાળકો સમયસર સારવાર માટે ન આવતાં તેઓ અહીં ગંભીર હાલતમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જો બાળકોને સમયસર સારવાર માટે લાવવામાં આવે તો મોટી સંખ્યામાં તેમના મૃત્યુને રોકી શકાય છે. આ વર્ષ જાન્યુઆરીમાં એનઆઈસીયુમાં ૧૪૩ અને ઈન્સેફલાઈટિસ વોર્ડમાં ૯ બાળકોના મોત થયા હતા. આ જ પ્રકારે ફેબ્રુઆરીમાં ક્રમશઃ ૧૧૭ અને પ માર્ચમાં ૧૪૧ અને ૧૮, એપ્રિલમાં ૧૧૪ અને ૯ મેમાં ૧ર૭ અને ૧ર, જૂનમાં ૧રપ અને ૧ર, જુલાઈમાં ૯પ અને ૩૩ તેમજ ઓગસ્ટ માસમાં ર૮ તારીખ સુધી ર૧૩ અને ૭૭ બાળકોના મોત થયા છે.
બીઆરડી મેડિકલ કોલેજમાં બાળકોના મૃત્યુ અંગે મુખ્યમંત્રી યોગીનું શરમજનક નિવેદન
(એજન્સી) ગોરખપુર, તા.૩૦
ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં થયેલ બાળકોના મૃત્યુ પર યોગી આદિત્યનાથે કહ્યું કે લોકો ઈચ્છે છે કે તેમના બાળકોનું સરકાર પાલન-પોષણ કરે. મને લાગે છે કે ક્યાંક એવું ન બને કે લોકો બાળકો બે વર્ષના થતાં જ તેમને સરકારના ભરોસે છોડી દે કે હવે સરકાર જ એમનું ભરણ-પોષણ કરશે. યોગી આદિત્યનાથે આ વાત લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન કહી હતી. યોગી આદિત્યનાથે મીડિયાને આડે હાથ લેતા કહ્યું કે, દરેક વાત માટે સરકારને જવાબદાર ગણાવવી યોગ્ય નથી. મીડિયા કહે છે કે, ફલાણી જગ્યાએ કચરો પડ્યો છે. અમે લોકોએ અમારી જવાબદારી પણ સરકારને સોંપી દીધી છે. લાગે છે અમે તમામ જવાબદારીઓથી મુક્ત થઈ ગયા છે.