ગોરખપુર, તા. ૧૧
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં એક દર્દનાક ઘટના બની છે જેમાં બીઆરડી હોસ્પિટલમાં ગુરૂવારથી ઓક્સિજનનો પુરવઠો બંધ હોવાને કારણે ૩૦થી વધુ બાળકોના મોત થયા હતા. આ બાળકોના મોત છેલ્લા ૪૮ કલાક દરમિયાન થયા હતા જે સમયગાળામાં હોસ્પિટલને ઓક્સિજનનો પુરવઠો પહોંચી શક્યો નહોતો. એક તરફ હોસ્પિટલ સત્તાવાળાઓ ઓક્સિજન સપ્લાય કરનાર એજન્સી પર ઓક્સિજન પુરૂ ન પાડવાનો આરોપ લગાવી રહી છે જ્યારે એજન્સીએ જણાવ્યંુ હતું કે, હોસ્પિટલે છેલ્લા કેટલાક સમયથી નાણા ચુકવ્યા ન હોવાથી બે દિવસથી પુરવઠો પહોંચાડાયો નહોતો.
હોસ્પિટલ સત્તાવાળાઓએ આરોપ લગાવ્યો હતો કે, એજન્સી દ્વારા ગુરૂવારે સાંજે ઓક્સિજનનો પુરવઠો બંધ કરી દેવાતા ૨૦ બાળકોના મોત ગુરૂવારે રાત સુધી થઇ ગયા હતા જેમાં મોટાભાગના બાળકો ઇન્સેફેલાઇટિસ (મજગની નબળાઇની બીમારી)થી પીડિત હતા. મોતને ભેટેલા બાળકો કુલ ત્રણ વોર્ડમાં સારવાર લઇ રહ્યા હતા. શુક્રવારે અન્ય ૧૦ બાળકોના મોત થયા બાદ હોસ્પિટલ સત્તાવાળાઓને આ દર્દનાક હકીકતનું ભાન થયું હતું.
મળતી માહિતી અનુસાર હોસ્પિટલે ઓક્સિજન પુરૂ પાડતી કંપનીને રૂપિયા ૬૬ લાખ આપવાના બાકી હતા. સૂત્રોએ જણાવ્યું કે, વારંવાર આ અંગે રાજ્યમાં સૌથી મોટી ગણાતી સરકારી હોસ્પિટલ અને મેડીકલ કોલેજના સત્તાવાળાઓને કહેવામાં આવી રહ્યું હતું. સૂત્રોએ જણાવ્યંુ કે, હોસ્પિટલ ખાતેના ટેકનિશિયનોએ સત્તાવાળાઓને પહેલાથી જ જાણ કરી હતી પરંતુ તેમની ચેતવણીને ધ્યાનમાં લેવામાં આવી નહોતી. ગુરૂવારે ઓક્સિજન પુરવઠો બંધ થઇ જવાને કારણે ૨૦ બાળકોના મોત થયા હતા તે સમયે હોસ્પિટલ સત્તાવાળાઓ સફાળા જાગ્યા હતા અને ફરી પુરવઠો ચાલુ કરાવવા મથ્યા હતા. ઉલ્લેેખનીય છે કે, બાબા રાઘવ દાસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ સારામાં સારી સારવાર માટે રાજ્યભરમાં જાણીતી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ હોસ્પિટલની કેટલાક દિવસ પહેલાજ મુલાકાત લઇ ચૂક્યા હતા. રાજ્યમાં ઇન્સેપેલાઇટિસની બીમારી ભરડો બની રહી છે ત્યારે ફક્ત આજ હોસ્પિટલમાં આ વર્ષે ૫૦૪ દર્દી દાખલ થયા હતા. આ મેડીકલ કોલેજમાં આ બીમારીથી આ વર્ષે કુલ ૧૩૩ લોકો મોતને ભેટ્યા છે.