(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૦
કોંગ્રેસના અગ્રણી શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી રૂપાણીને આપેલ નોટિસના સંદર્ભમાં પ્રત્યાઘાત આપતા ભાજપ તરફથી જણાવાયું હતું કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે સ્પષ્ટ જવાબમાં મુખ્યમંત્રીએ બિહારના પ્રભારી શબ્દ અલ્પેશ ઠાકોરને ધ્યાનમાં રાખીને નિવેદનમાં આપ્યું હતું એટલે તેમણે બંધ બેસતી પાઘડી પહેરવી નહીં એવી સ્પષ્ટતા કરી હોવા છતાં તે સ્વીકારવાને બદલે આજે શક્તિસિંહે નોટીસ આપી છે તે ઉચિત નથી. તેમને યોગ્ય સમયે અમે જવાબ આપીશું એમ ભાજપ પ્રવક્તા ભરત પંડયાએ ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય અને કેટલાક કોંગ્રેસી લોકોના ઉશ્કેરણીજનક ભાષણો, સોશીયલ મીડિયામાં પોસ્ટ અને હુમલામાં પકડાનારા લોકો કોંગ્રેસના હતા. ત્યારે કોંગ્રેસને પૂછવું છે કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યને કેમ ફોન કર્યો ? તેમણે કોંગ્રેસ અને પાર્ટીના નેતાઓને શું સૂચનો આપી ? પકડાયેલા લોકોને કોંગ્રેસે કેમ સસ્પેન્ડ કર્યા નથી ? બિહાર સંમેલનમાં કોંગ્રેસે કયા સહપ્રભારીને આવવાની કેમ ના પાડી ? કોંગ્રેસના ધારાસભ્ય ડોમિસાઈલનો મુદ્દો ઉછાળીને ગુજરાતના યુવાનોનો વિશ્વાસઘાત કેમ કર્યો ? કોંગ્રેસ ગુજરાતની જનતાનેે તેનો જવાબ આપે. પ્રાંતવાદ દ્વારા વેરઝેર-હિંસા અને અશાંતિ ફેલાવવામાં કોંગ્રેસ જવાબદાર છે. આમાં માત્ર કોંગ્રેસનો હાથ નથી પરંતુ કોંગ્રેસનું માઈન્ડ છે. એટલે કે આખી કોંગ્રેસ આમાં જવાબદાર છે.