(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૨૬
માંગરોળના નાગદા વિસ્તારમાં ઈબ્રાહીમ સુલેમાન (ઉ.વ.૪૫) પોતાના બે દીકરા અને બે દીકરીઓ સહિત ચાર સંતાનો અને પત્ની સાથે પોતાના સાદા મકાનમાં રહી મજૂરી કામ કરી અજીવીકા રડી રહ્યા હતા. ઈબ્રાહીમ ભાઈ મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ કુદરતી હાજત માટે બહાર નીકળતા ઘરના આંગણામાંથી જ સાપે ડંખ મારી દેતા તેમને ઝેરની અસર થવા લાગી હતી. તેમની પાસે જ રહેતા તેમના પરિવારજનો ઈબ્રાહીમને તાત્કાલિક સારવાર માટે પ્રથમ માંગરોળની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ શિફા હોસ્પિટલમાં દોડી ગયા હતા. પરંતુ માંગરોળમાં સિવિલ સહિતની કોઈ પણ હોસ્પિટલમાં ક્રિટીકલ કેરના નિષ્ણાતો કે તેને લગતી કોઈ પણ પ્રકારની દવાઓ અને સાધન સામગ્રી ન હોવાથી ઈબ્રાહીમભાઈને તાત્કાલિક ધોરણે યોગ્ય સારવાર મળી શકી નહી. વધુ સરવાર માટે તેમના કુટુંબીજનો તેને લઈને કેશોદ દોડી નીકળ્યા હતા. પરંતુ વાયુવેગે પ્રસરી રહેલા સાપના ઝેરથી ઈબ્રાહીમભાઈ એ રસ્તામાં જ દમ તોડી દીધો હતો. રાત્રિના ગરીબ પિતાની છત્રછાયામા સૂતેલા ચારેય સંતાનોએ સવારે પિતાની છત્રછાયા ગુમાવી દેતાં જાણે માથે આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોના કરૂણ વલોપાતથી હ્રૂદનફાટ દૃશ્યો સર્જાયા હતા.