અમદાવાદ,તા.૧૦
રાજયના અનામત માટે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે રાજયની રૂપાણી સરકારે બિન અનામત વર્ગ માટે રાહતનો વરસાદ વરસાવ્યો છે. રાજયમાં અનામતનો લાભ મળતો નથી તેવી પ૮ જ્ઞાતિના ૧.પ૮ કરોડથી વધુ બિન અનામત વર્ગના લોકો માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે બિન અનામત વર્ગ માટે વિવિધ યોજનાઓ જાહેર કરી છે. જેમાં શૈક્ષણિક અભ્યાસ માટે સહાય અપાશે. આગામી લોકસભાની ચૂંટણીમાં મતોનો પાક નિષ્ફળ ના જાય એટલે જ સરકારે બિન અનામત વર્ગ માટે સહાયની યોજના નામનું મતો અંકે કરવાનું ખાતર અત્યારથી જ નાંખી દીધું છે. ત્યારે સરકારની આ જાહેરાતને પગલે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
રાજયમાં બધી જ્ઞાતિઓ સાથે રહી વિકાસમાં સહયોગ આપે અને દેશમાં સામાજિક સમરસતાને સમર્થન આપે અને દરેક જ્ઞાતિઓ વધુને વધુ પ્રગતિ કરે તે માટે અનેક પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે બંધારણ પ્રમાણે અમુક લોકોને ન્યાય મળ્યો નહીં તેવી આર્થિક પછાત જ્ઞાતિને ન્યાય મળે તે માટે સરકારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અમલમાં મુકી છે. ગઈ સરકાર વખતે અમે વચન આપ્યું હતું તે પ્રમાણે અમે બિન અનામત વર્ગને પણ લાભ આપ્યો છે. સરકારના આ વખતના બજેટમાં પણ નકકી કર્યા મુજબ નિગમ માટે માતબર રકમની જોગવાઈ કરી છે. કોઈને એવું ના થાય કે અમને કોઈ લાભ મળતો નથી. એવી રીતે ઝીણવટપૂર્વક યોજના અમે તૈયાર કરી છે. મુખ્યમંત્રી સાથે અનેક બેઠક યોજી આ યોજનાને આખરી રૂપ આપ્યું છે. બિન અનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે રાજયના ડે. સીએમ નીતિન પટેલ એક કોન્ફરન્સ કરીને પત્રકારો સાથે વાતચીત કરતા જણાવાયું કે અનામતને કોઈ નુકસાન ન થાય અને સવર્ણ સમાજને ન્યાય મળી રહે તેવા પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઈન હશે. સરકારે બિનઅનામત માટે જાહેર કરેલી યોજનામાં તમામને ન્યાય આપવાનો પ્રયાસ કરાશે. ૧૦ લાખ સુધીની લોન પ ટકાના દરે મળશે. વિદેશ અભ્યાસ માટે જવા માટે પણ લોન મળશે. સરકારની શૈક્ષણિક અભ્યાસ યોજાનામાં ૪ ટકાના સાદા વ્યાજે નિગમ લોન આપશે. દર મહિને છાત્રોને ૧ર૦૦ રૂપિયા અપાશે. જેઈઈ અને નીટના કોચિંગ માટે પણ છાત્રોને લાભ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ સહાય અપાશે કોચિંગ કલાસ માટે ફી મળશે. ટયુશન સહાય યોજનામાં ધોરણ ૧૦મા ૭૦ ટકા લાવનારને ૧પ હજાર સહાય મળશે. સ્નાતક તબીબ, વકીલ, ટેકનિકલ માટે વ્યાજ સહાય ૧૦ લાખ સુધીની લોન મળશે. તમામ સહાય વિદ્યાર્થીઓને જ ચુકવવામાં આવશે. સંસ્થા કે ટયુશન કલાસીસને ચુકવવામાં આવશે નહીં. તમામ યોજનાનો લાભ આ વર્ષથી જ મેળવી શકાશે. ધોરણ ૧રમાં ૬૦ ટકા કરતા વધુ મેળવનાર વિદ્યાર્થીઓને લાભ મળશે. અહીં અભ્યાસ માટે ૧૦ લાખ રૂપિયા જયારે વિદેશ અભ્યાસ માટે રૂા.૧પ લાખની લોન ૪ ટકાના સાદા વ્યાજે છાત્રાલયમાં રહી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને મળશે.