(એજન્સી) વોશિંગ્ટન,તા.૧૨
સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અમેરિકાના રાજદૂત નીકી હેલીએ વ્હાઈટ હાઉસથી અલગ વલણ અખત્યાર કરતા જણાવ્યું છે કે, જે મહિલાઓએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર યૌનશોષણ અને દુરાચારનો આક્ષેપ કર્યો છે તેમની દલીલ અને રજૂઆત પણ સાંભળવી જોઈએ. અયોગ્ય યૌન, દુરાચાર કે દુર્વ્યવહારના કારણે ડિસેમ્બરમાં કોંગ્રેસના ત્રણ સભ્યોએ રાજીનામા આપ્યા હતા. દસથી વધુ મહિલાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્ર પ્રમુખ બન્યા તે પહેલાં યૌન દુરાચારનો આક્ષેપ કર્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી પ્રોગ્રામ ‘એક્સેસ હોલીવુડ’માં જણાવ્યું હતું કે, તેમણે મહિલાઓને ચુંબનો કર્યા છે અને અંધારામાં તેમની સાથે અડપલાં પણ કર્યા છે. ૨૦૧૬ની રાષ્ટ્ર પ્રમુખ પદની ચૂંટણીમાં આ ટેપ ચર્ચાસ્પદ બની હતી. નીકી હેલીએ સીબીએસ પર આગળ આવતી મહિલાઓના સાંસ્કૃતિક પરિવર્તનની ચર્ચા ‘ફેસ ધ નેશન’ કાર્યક્રમમાં આગળ આવનારી મહિલાઓની પ્રસંશા કરી હતી અને જણાવ્યું હતું કે, મને તેમની તાકાત પર ગર્વ છે, મને તેમની હિંમત પર ગર્વ છે. નીકી હેલીએ જણાવ્યું હતું કે, મારું માનવું છે આપણે ચૂંટણી પહેલાં આ બધા આક્ષેપોને સાંભળ્યા છે અને હું માનું છું કે કોઈ મહિલાને પોતાના માનવ અધિકારનો ભંગ થયો હોય તેવું લાગતું હોય અથવા તો તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો તેમને બોલવાનો સંપૂર્ણ અધિકાર છે.