વાગરા ખાતે તલાક અને શરિયત પર કાર્યક્રમ યોજાયો
(સંવાદદાતા દ્વારા)
વાગરા,તા.ર૭
વાગરા ખાતે તલાક અને શરિયત ઉપર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના તલાક પરના હસ્તક્ષેપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. દેશમાં અમન અને શાંતિ માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી.
ભારત વર્ષમાં તલાક અને શરિયતના ઉપર કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવાની કોશિશ સામે મુસ્લિમ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મુસ્લિમ સમુદાય દ્વારા સરકારની બેધારી નીતિ સામે ઠેર-ઠેર જગ્યાએ દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગતરોજ વાગરા ખાતે અલ મદીના મસ્જિદ સામે તલાક અને શરિયતના ઉપર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
સુન્ની જમાઅતના વિદ્વાન નવાસાએ શૈખુલ ઈસ્લામ હઝરત તલ્હા અશરફ સાહેબે તલાક અને શરિયતની સમજ આપવા સાથે આતંકવાદ, દેશભક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે તલાક અને શરિયત પર બોલતા જણાવ્યું હતું કે જ્યોર બે જિંદગી એક સાથે રહી શકે એમ ના હોય તમામ પ્રકારના સમાધાનકારી વલણ અપનાવવા છતાં મનમેળ ના થતો હોય એવા સમયે તલાક આપી પતિ-પત્ની છૂટા પડી નવી જિંદગીની શરૂઆત કરી શકે છે. માત્ર આ હક પુરુષને જ નહીં સ્ત્રીને પણ આપવામાં આવ્યો છે જો પુરુષ સ્ત્રીના હુકુકો અદા કરવામાં નિષ્ફળ જાય એવા તાણે સ્ત્રી પણ ‘ખુલા’ લઈને એકબીજાથી અલગ થઈ શકે છે. તદ્ઉપરાંત તેમણે કહ્યું હતું કે સ્ત્રીને ઈસ્લામે એટલો વિશેષ દરજ્જો આપ્યો છે કે તે પોતે ઈજાજત ન આપે ત્યાં સુધી નિકાહ થતા નથી. કેન્દ્ર સરકારની તલાક મામલા નીતિ પર પી.એમ. પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે તલાક-તલાક ના કરો પી.એમ. છો, પી.એમ. રહો, મુફતી બનવાની કોશિશ ના કરો. પ્રધાનમંત્રીને નોટ બદલવાનો હક, કોઈ ધર્મનો કાનૂન બદલવાનો કોઈ અધિકાર નથી. વડાપ્રધાને પ્રધાનમંત્રી બનતા પહેલા દેશવાસીઓને જે વાયદાઓ કર્યા છે. એના પુરા કરવા પૂરતું ધ્યાન આપે. દેશને તોડવાના પ્રયાસ ના કરે. મહિલાના અધિકાર વિશે ટીવીમાં ભાષણબાજી કરી મુસલમાનોને ભડકાવશો નહીં. ઈસ્લામ ન મીટા હે ન મીટેગા.
ત્રણ તલાકમાં એક તલાક દિલ્હીમાં થઈ, બીજી તલાકે બિહાર ગયું અને ત્રીજી યુ.પી.માં થશે તો બધું પતી જશે. આતંકવાદ પર તેમણે જણાવ્યું હતું કે આતંકવાદ ઈસ્લામમાં હરામ છે જે આતંકવાદી છે એ મુસલમાન નથી. એહલે સુન્નત વલ જમાઅતને આતંકવાદી સંગઠનો સાથે કોઈ તાલ્લુક નથી. અમે કોઈ મુલ્લા ઉંમર કે ઓસામાં બિન લાદેનને માનવા વાળા નથી. બલ્કે જાન દેવાવાળા હઝરત ઈમામે હુસેન (રદિ.) માનવાવાળા છે. ઈસ્લામ અમન-શાંતિ અને ભાઈચારાની વાત કરે છે.
તેમણે દેશભક્તિ પર જણાવ્યું હતું કે વિદેશમાં આપણે કોઈપણ જગ્યાએ જઈએ તો આપણે ઈન્ડિયન, ભારતીય કે હિન્દુસ્તાની કહીને ઓળખ આપીયે છે જે ગૌરવપૂર્ણ વાત છે. પરંતુ જ્યોર ધર્મની વાત આવે ત્યારે શીખ, ઈસાઈ, મુસ્લિમ, હિન્દુ એમ સો અલગ પડે છે. ઉપસ્થિત જનમેદનીને તેમણે દેશને કાજે કંઈ કરી છૂટવા આહ્વાન કર્યું હતું. આ તબક્કે દેશમાં અમન-શાંતિ બની રહે એ માટે અંભેટા શરીફના જીયાઉદ્દીન બાવાએ ખાસ દુવા ગુજારી હતી. કાર્યક્રમમાં ઉલ્માએ કિરામ, સાદાતે કિરામ, આસપાસના ગામોમાંથી આવેલ લોકો અને મહિલાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
Recent Comments