(એજન્સી) તા.ર૩
અફઘાનિસ્તાન અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિની યુદ્ધ સમર્થક અમેરિકી રાજકારણીઓએ ભારે પ્રશંસા કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાનમાં ઇરાકની ભૂલનું પુનરાવર્તન ન કરી શકીએ. અફઘાનિસ્તાનમાં અમારી સેના લાંબા સમય સુધી ટકી રહેશે. ચૂંટણી અભિયાનમાં કરેલા કાવાદાવા પર સંપૂર્ણપણે ગુલાંટ મારતાં અમેરિકી રાષ્ટ્રપતિએ ૧૬ વર્ષથી અફઘાનિસ્તાનમાં કબજો કરવા અંગે કહ્યું કે મારા મતે હું જ્યારથી વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યો છું ત્યારથી મારો દૃષ્ટિકોણ બદલાઇ ગયો છે. અમે દક્ષિણ એશિયાઇ દેશોમાં પ્રભુત્વ જાળવી રાખવા નિરીક્ષણ કરવા સૈન્ય દખલગીરી ચાલુ જ રાખીશું. તેમણે પાકિસ્તાન અંગે પણ કડક શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાન આતંકીઓને શરણ આપી મોટી ભૂલ કરી રહ્યું છે. તેણે સાવચેત થઇ જવું જોઇએ. જોકે ટ્રમ્પની આ રણનીતિનું અનેક લોકો જેમ કે સેનેટર જોહન મેકકેઈન અને લિન્ડસે ગ્રેહામ તથા હાઉસના બહુમત નેતા કેવિન મેકકાર્થી દ્વારા તથા ટ્રમ્પના રિપબ્લિકનના ટીકાકારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. મેક મેઇને ટ્રમ્પની રણનીતિની ભરપૂર પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ એક યોગ્ય દિશામાં લેવામાં આવેલું મોટું પગલું છે. પરંતુ તેમણે કહ્યું હતું કે આ નિર્ણય કરવામાં ઘણો સમય લાગી ગયો. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અંગે પણ તેમણે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે હાલના રાષ્ટ્રપતિની જેમ અગાઉના રાષ્ટ્રપતિઓને નિર્ણયો લેવાની જરુર હતી. જેનાથી નિષ્ફળ જતી રણનીતિઓ ફરી સફળ થઇ શકે અને પરાજયનો સામનો ન કરવો પડેે. તેમણે કહ્યું કે બરાક ઓબામા ઘણા વર્ષોથી અમેરિકી સેનાને અફઘાનિસ્તાનથી પાછી ખેંચી લેવા માગતા હતા. અગાઉ પણ એપ્રિલમાં મેકકેઇને જાહેરમાં અમેરિકી રાષ્ટ્રપતિની રણનીતિની ભરપૂર પ્રશંસા કરી હતી. જ્યારે સીરિયામાં ક્રૂઝ મિસાઇલ હુમલો કરવાની વાત ચર્ચામાં આવી હતી. ગ્રેહામે કહ્યું હતું કે ટ્રમ્પના આ નિર્ણયને ઘણાં ખરાં કોંગ્રેસીઓ ભરપૂર ટેકો આપશે. તેમણે કહ્યું કે હવે પાકિસ્તાન સાથેની ગેમ પણ બદલાઇ ગઈ છે. હું અમારા રાષ્ટ્રપતિની ભરપૂર પ્રશંસા કરું છું અને અમને તેમના પર ગર્વ છે. મેકકાર્થીએ પણ આ મામલે કહ્યું કે ટ્રમ્પની આ નવી રણનીતિ ખરેખર તો અફઘાનિસ્તાનને સુરક્ષિત, સ્થિર અને સાર્વભૌમ ધરાવતું બનાવવામાં મદદરૂપ થશે. જોકે યુદ્ધ સમર્થક રાજકારણીઓ દ્વારા ભારે પ્રશંસા કરવા છતાં વિપક્ષોએ તેમના પર આકરા પ્રહારો કરતાં વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષના નેતા નેન્સી પેલોસી કહે છે કે અમને એ સમજાતું નથી કે આવી રણનીતિ અપનાવી ટ્રમ્પ શું દેખાડવા માગે છે. તેમણે આ અંગે રિપબ્લિકનના કમાન્ડર ઇન ચીફને ચેતવણી આપી છે.
યુદ્ધ સમર્થક રાજકારણીઓએ ટ્રમ્પની અફઘાનિસ્તાન અંગેની રણનીતિની ભરપૂર પ્રશંસા કરી

Recent Comments