અમદાવાદ,તા.૮
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ આજે ગુજરાતની મુલાકાત દરમ્યાન અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમણે ભાજપના વિકાસના દાવાઓની પોલ ખોલતાં અને તેને ખોખલા ગણાવતાં મોદી સરકાર અને ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત મોડેલની મોદીજીએ માત્ર વાતો કરી છે, વાસ્તવમાં એવું કંઇ છે નહી. વિકાસના દાવાઓ પોકળ અને ખોખલા છે. ભાજપના છેલ્લા ૨૨ વર્ષોના અત્યાચારી શાસનથી કંટાળેલી ગુજરાતની જનતા આક્રોશમાં અને ગુસ્સામાં છે. ગુજરાતની જનતાનો આ આક્રોશ અને ગુસ્સો મતમાં ફેરવાશે. ગુજરાતની જનતા ભાજપને જોરદાર જવાબ આપશે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ગુજરાતની જનતાને સારા શાસનને રાજયમાં સ્થાપિત કરવા સારા પક્ષને મત આપવાની અપીલ કરી આડકતરી રીતે કોંગ્રેસને મત આપવાનો ઇશારો કર્યો હતો. ગુજરાતમાં સમાજવાદી પાર્ટી અંગે તેમણે કહ્યું કે ચાર ઉમેદવારો સાથે અમે નાના છોડરૂપે શરૂઆત કરી ગુજરાતમાં સમાજવાદી પાર્ટી ધીરેધીરે મોટું વટવૃક્ષ બનશે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મેટ્રો ટ્રેન, ગુજરાતના રસ્તાઓ, ખેડૂતોના દેવા સહિતના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ સરકાર પર કટાક્ષભર્યા પ્રહાર કર્યા હતા કે, અમે અમારી સરકારના શાસન દરમ્યાન ઉત્તરપ્રદેશમાં એવા રસ્તાઓ બનાવ્યા કે, જયાં ભારતીય વાયુસેનાના લડાકુ હવાઇજહાજ પણ ઉતરી શકે, એટલી ઉંચી ગુણવત્તાયુકત રસ્તાઓ બનાવ્યા. મોદીજી તમે ગુજરાતમાં આવા રસ્તાઓ કેમ ૨૨ વર્ષોના શાસનમાં નથી બનાવી શકયા? અમે લખનૌમાં ગોમતી કિનારે બનાવેલો રિવરફ્રન્ટ દેશનો સૌથી સુંદર અને રમણીય રિવરફ્રન્ટ તૈયાર કર્યો, તો તમે રિવરફ્રન્ટ બનાવ્યો પરંતુ તેમાં કેમ ઉણપ રહી?, અમે અઢી વર્ષમાં મેટ્રો ટ્રેન લોકોને આપી, તમે મેટ્રો ટ્રેનના મોટા મોટા બણગાં ફુંકયા પરંતુ અમદાવાદમાં હજુ મેટ્રો રેલના ઠેકાણાં નથી. હા..અમદાવાદના રસ્તાઓ પર ત્રણ પૈડાવાળી મેટ્રો(છકડો) મેં જોઇ તેના પરથી ખ્યાલ આવી ગયો કે, વિકાસ કેવો થયો છે. એમ કહી અખિલેશ યાદવે ભાજપ પર કટાક્ષ કર્યો હતો. અધ્યક્ષ અખિલેશ યાદવે ગુજરાતની ભૂમિને મહાન અને પવિત્ર ગણાવતાં કહ્યું હતું કે, ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા મહાન સપૂતો દેશને આપ્યા છે. મેં દ્વારકા મંદિરે દર્શન કરી પ્રચાર અભિયાન હાથ ધર્યું અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફર્યો ત્યારે મને ખબર પડી કે, વિકાસના દાવાઓ પોકળ અને ખોખલા છે. વાસ્તવિક ચિત્ર કંઇક જુદુ જ છે. ભાજપે ઘણી વાતો છુપાવી રાખી હતી, જે આજે દેશની જનતા સમક્ષ ઉજાગર થઇ ગઇ છે. ભાજપે સમાજમાં જાતિવાદ અને ધર્મના રાજકારણના નામે ગંભીર ખાઇ પેદા કરી છે. નોટબંધી અને જીએસટીના મુદ્દે પણ યાદવે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા કે, નોટબંધી અને જીએસટીથી દેશના લાખો લોકો બરબાદ થઇ ગયા, લાખો લોકો બેરોજગાર બન્યા. દેશનો જીડીપી ગ્રોથ રેટ ચિંતાજનક હદે ઘટી ગયો જે સાબિત કરે છે, મોદી સરકારે આ નિર્ણયો વગર વિચાર્યે અને ઉતાવળે લીધા હતા. ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત મુદ્દે તેમણે ટીકા કરતાં જણાવ્યું કે, ભાજપે જનતાને છેતરીને, જૂઠ્ઠાણાંઓ અને ખોટા વાયદાઓ કરી સત્તા કબ્જે કરી છે પરંતુ ઉત્તરપ્રદેશની જનતા સમય આવ્યે જવાબ આપશે.
અન્ય દેશોની બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયાની નકલ આપણે કેમ કરતાં નથી ?
અમદાવાદ,તા.૮
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઇવીએમ મારફતે મતદાનની પ્રક્રિયાને લઇ ફરી એકવાર આશંકા અને દહેશત વ્યકત કરી હતી, કારણ કે, યુપીના આંચકાજનક પરિણામ બાદ ઇવીએમમાં ગડબડીનો મામલો બહુ ચગ્યો હતો. અખિલેશ યાદવે જણાવ્યું કે, ઇવીએમમાં ગડબડી મામલે અમારા સહિત અન્ય રાજકીય પક્ષોએ પણ ચૂંટણી પંચને રજૂઆત કરી હતી અને ચૂંટણી પંચે એ વાત સ્વીકારી હતી કે, ઇવીએમમાં ખામી સર્જાઇ શકે છે. તેથી અખિલેશે સવાલ ઉઠાવ્યો હતો કે, તો એવી કઇ ખામી સર્જાય છે કે જે પાછળથી ઠીક થઇ જાય છે. તેમણે ઉમેર્યું કે, વિશ્વના શકિતશાળી દેશો પણ આજે બેલેટપેપર મારફતે મતદાનની હિમાયત કરતા હોય છે ત્યારે આ દેશોની બીજી વાતોની આપણે નકલ કરીએ છીએ તો આ વાતની કેમ નકલ કરાતી નથી.