(એજન્સી) તા.રપ
સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે એક હૃદય હચમચાવી મૂકતી તસવીર સામે આવી છે. આ તસવીર એ કુપોષણના ભોગ બનેલી અને ફક્ત એક મહિનાની બાળકી સહર દોફદાની છે જેણે સીરિયાના પૂર્વ ખીણ ક્ષેત્રના હમોરિયા વિસ્તારમાં ભૂખને કારણે મોતને ગળે લગાવી. હકીકતમાં સીરિયાના આ વિસ્તારની સ્થિતિ ખૂબ જ દયનીય છે અને અહીંની સ્થિતિએ સેંકડો બાળકોને ભૂખને કારણે મૃત્યુની અણીએ લાવી દીધા છે. ગત શનિવારે બાળકીના માતા-પિતા સારવાર માટે તેને એક ક્લીનિકે લઇને ગયા હતા. ૩૪ દિવસની બાળકીનું વજન ફક્ત ૧.૯ કિલો હતું. તમને જણાવી દઇએ કે સીરિયામાં ગત ૭ વર્ષથી જારી ગૃહયુદ્ધને કારણે વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તારોમાં ખાવાની વસ્તુઓની સપ્લાય અટકી ગયો છે એવામાં સેંકડો બાળકો કુપોષણનો ભોગ બની રહ્યાં છે. સીરિયાના આ હમોરિયા શહેરના એક હોસ્પિટલમાં સહર દોફદા નામની આ બાળકીને લઈને તેના માતા પિતા આવ્યા હતા અને દરમિયાન કવરેજ કરી રહેલા એક રિપોર્ટરે તેનો ફોટો કેમેરામાં કેદ કર્યો હતો. આ બાળકીના હાડકાં પણ સ્પષ્ટ દેખાઇ આવતા હતા. રિપોર્ટરે જણાવ્યું કે બાળકી રડવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તેના શરીરમાં એટલી પણ તાકાત ન હોતી કે તે રડી શકે. ક્લીનિકમાં જ્યારે તેનું વજન કરાયું તો ફક્ત ૧.૯ કિલો જાણવા મળ્યું. આ બાળકીનું ડાયપર પણ તેના શરીરથી મોટું લાગી રહ્યું હતું. કુપોષણની સમસ્યાનો સામનો કરી રહેલ સહરની માતા પણ તેને દૂધ પીવડાવવામાં સક્ષમ નથી. તેના પિતાની પણ કોઇ આવક નથી કે તેને ખરીદીને દૂધ કે અન્ય સપ્લીમેન્ટ્‌સ આપી શકે. હોસ્પિટલમાં દાખલ કરાવ્યાંના બીજા દિવસે જ સહરનું મોત થઇ ગયું.