(એજન્સી) નવી દિલ્હી, તા.રર
પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણી વિના કરવામાં આવી રહેલા ફાયરિંગનો સરહદ પર તૈનાત બીએસએફ અને સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાની સેના ભારતના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહી છે આવા સમયે છેલ્લા ચાર દિવસથી બીએસએફે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ (આઇબી) પર પાકિસ્તાના ઠેકાણાઓ પર ૯૦૦૦ રાઉન્ડ મોર્ટારનો મારો ચલાવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, ભારતના વળતા જવાબથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે, પાકિસ્તાન રેન્જર્સના તેલ ડેપો અને ઘણી ફાયરિંગ ચોકીએ નષ્ટ કરવામાં આવી છે. બીએસએફ અને ગૃહમંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે સરહદ પર સ્થિતિ તંગદિલી ભરી છે.
પાકિસ્તાને રવિવાર રાતથી સોમવાર સવાર સુધી ફરીવાર એલઓસી પર ફાયરિંગ શરૂ કર્યું હતું. શનિવારે મોડી રાત સુધી ફાયરિંગ બંધ હતી જોકે, બીએસએફે જણાવ્યું હતું કે, પાકિસ્તાને ગામોને નિશાન બનાવી ફરી ફાયરિંગ શરૂ કર્યું છે. સરહદ નજીક આવેલા ગામો ફાયરિંગને કારણે અસર પામ્યા છે અને સેનાએ ૪૦ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારથી શરૂ થયેલા ફાયરિંગમાં અત્યારસુધી કુલ ૧૨ લોકોના મોત થયા છે જ્યારે ૬૦થી વધુ લોકો ઘવાયા છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુના રાજૌરીમાં આવેલા સેક્ટર્સમાં વધુ ફાયરિંગ થયું છે અને ભારત તરફથી પણ તેનો જવાબ અપાઇ રહ્યો છે. દરમિયાન સરહદ પર ચાલી રહેલી તંગદિલીને પગલે જમ્મુ જિલ્લાની ઘણી શાળાઓ હજુ પણ બંધ છે. અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાને પરથલ, માથ, આરએસ પુરા, અરણિયા અને રામગઢમાં ફાયરિંગ કર્યું છે જેસોમવાર સવાર સુધી ચાલુ રહ્યું હતું. આ ઉપરાંત ભવાની, કરાલી, સાદ જેવા વિસ્તારોમાં પણ ફાયરિંગ કરાયું હતું.
કાશ્મીર ઘાટીમાં ઘૂસણખોરી કરવામાં નિષ્ફળતા બાદ હવે આતંકવાદીઓ પોતાની રણનીતિ બદલીને જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ તરફથી ઘૂસણખોરી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સૂત્રો મુજબ જમ્મુ આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત ગોળીબારની આડમાં પાકિસ્તાન આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાની તકમાં છે. અહેવાલ મુજબ ર૬મી જાન્યુ.ના ગણતંત્ર દિવસના અવસરે મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવા આતંકવાદીઓ તાબડતોબ ઘૂસણખોરીનો મોકો શોધી રહ્યા છે. આતંકવાદીઓ આ વખતે બાર એશિયાન દેશોના રાષ્ટ્ર અધ્યક્ષોની ઉપસ્થિતિમાં મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવા માંગે છે.